દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સંસદનો માર્ગ ઉત્તરપ્રદેશથી જતો હોવાથી તમામ રાજકીય પક્ષોની નજર ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર મંડાયેલી છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી છે. દરમિયાન ભાજપ દ્વારા ત્રણ સિનિયર નેતાઓને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
દિલ્હીમાં ભાજપના નેતાઓની બેઠક મળી હતી. જેમાં ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સંગઠનને વધારે મજબુત બનાવવા સહિતના મુદ્દે ચર્ચાઈ કરાઈ હતી. દરમિયાન ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીની ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં સિનિયર નેતાઓના ઉત્તરપ્રદેશ પ્રવાસ અંગે રોડમેપ તૈયાર કર્યો છે.
દરમિયાન ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી રાજનાથ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ભાજપ દ્વારા ગોરખપુર અને કાનપુરની જવાબદારી જે.પી.નડ્ડાને સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાશી અને અવધની જવાબદારી રાજનાથ સિંહ અને વ્રજ તથા પશ્ચિમની જવાબદારી ભાજપના ચાણક્ય મનાતા અમિત શાહને સોંપવામાં આવી છે. આવી જ રીતે ભાજપના અન્ય સિનિયર નેતાઓને ઉત્તરપ્રદેશની ચૂંટણીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં જે.પી.નડ્ડા, રાજનાથ સિંહ તથા અમિત શાહ ઉત્તરપ્રદેશમાં ધામા નાખીને આખી રણનીતિ તૈયાર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશના પ્રવાસે ગયેલા અમિત શાહે સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠકમાં જીતનો મંત્ર આપ્યો હતો.