અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સહિતના પડોશી દેશોમાંથી ધાર્મિક કારણોસર શરણ લેનારા પરિવારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. દરમિયાન વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશથી આવીને ઉત્તરપ્રદેશના કાનપુરમાં વસવાટ કરનારા લગભગ 73 જેટલા હિન્દુ પરિવારોનું પુનઃવર્સન કરવામાં આવશે. તેમજ મકાનોના નિર્માણ માટે મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી 1.20 લાખ રૂપિયા પણ આપવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાનમાંથી ઉત્તર પ્રદેશમાં આવેલા 65 હિન્દુ પરિવારોને કોટન મીલમાં રોજગારી આપીને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. જો કે, 1984માં મિલ બંધ થઈ જતા આ પરિવાર ઉપર આજીવિકાનું સંકટ ઉભુ થયું હતું. આ પરિવારો વર્ષોથી ભારે મુશ્કેલીનો સામનો કરતા હતા તેમાંથી હવે છુટકારો મળશે. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આ પરિવારોને ખેતી માટે બે એકર જમીન અને મકાન બનાવવા માટે પ્લોટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને યોગી સરકારીની કેબિનેટે મંજૂરીની મહોર મારી છે. સરકારે કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં 121.41 હેક્ટર જમીન પર તેમના માટે પુનર્વસન યોજનાને મંજૂરી આપી છે. આ જમીનમાં મનરેગા હેઠળ જમીન સુધારણા અને સિંચાઈની સુવિધા વિકસાવવામાં આવશે, જેથી તેઓને સારી સુવિધા મળી શકે. આ પરિવારોને ખેતી અને મકાનો બાંધવા માટે જમીન આપવામાં આવશે. આમ આ પરિવારોના પુનર્વસન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.