UP: હવે પરીક્ષાના પેપર લીક કરનારા શિક્ષણ માફિયાઓની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે યોગી સરકારે કુખ્યાત ગુનેગારો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. તેમજ તેમની સંપતિ પમ જપ્ત કરવામાં આવી રહી છે. હવે શિક્ષણને લઈને યોગી સરકાર દ્વારા મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી છે. પેપર લીક કરાવનારા અને સામૂહિક નકલ કરાવનારા શિક્ષણ માફિયાઓની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન એક શિક્ષણ માફિયાની રૂ. 4.80 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં પેપર લીક કરવાના કેસમાં સંડોવાયેલા શિક્ષણ માફિયાઓ સામે યોગી સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન પેપર લીક કેસમાં ખાનગી સ્કૂલ સંચાલકની મિલક્ત જપ્ત કરવામાં આવી છે. આમ હવે યોગી સરકારે શિક્ષણ માફિયાઓ સામે કાર્યવાહી કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લા વહીવટી તંત્રએ નકલ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. મહેન્દ્ર કુશવાહ નામના ખાનગી શાળા સંચાલક સામે નકલ અને પેપર આઉટ કરવા બદલ દાખલ કરાયેલા કેસમાં કાર્યવાહી કરતા વહીવટીતંત્રે કુશવાહાની નિર્માણાધીન ઇમારતને લઈને કાર્યવાહી શરૂ કરાઈ છે.
મહેન્દ્ર કુશવાહાની પ્રોપર્ટી જપ્ત કરવા અંગે સીઓ સિટી ઓજસ્વી ચાવલાએ જણાવ્યું હતું કે શિક્ષણ માફિયા મહેન્દ્ર કુશવાહ વિરુદ્ધ સામૂહિક નકલના પેપર વગેરે લીક કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ દરમિયાન, જિલ્લા મેજિસ્ટ્રેટે ગેંગસ્ટર એક્ટની કલમ હેઠળ મહેન્દ્ર કુશવાહાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે. જેથી શિક્ષણ માફિયા કુશવાહાની સંપત્તિ રવિવારે જપ્ત કરવામાં આવી છે. સબ રજિસ્ટ્રારના રિપોર્ટ મુજબ આ પ્રોપર્ટીની કુલ કિંમત 4.80 કરોડ આંકવામાં આવી છે. અગાઉ, મહેન્દ્ર કુશવાહાના ભાઈની સંપત્તિ પણ ગેંગસ્ટર એક્ટ હેઠળ સામૂહિક નકલ, પેપર આઉટ વગેરે માટે નોંધાયેલા કેસ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. કુશવાહા બંધુઓએ જ્યારે એકવાર TET પેપર ક્લિયર કર્યું ત્યારે હેડલાઇન્સ બની હતી. જેમાં કુશવાહના એક ભાઈ પારસ કુશવાહાને જેલમાં જવું પડ્યું હતું.