Site icon Revoi.in

UP: ઉમેદવારોની પસંદગીને લઈને BJPમાં બેઠકોનો દોર, 60 MLAને પડતા મુકાય તેવી શકયતા

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કેન્દ્રીય નેતૃત્વ સાથે રાજ્યના કોર જૂથ નેતાઓની મહત્વપૂર્ણ બેઠકમાં પ્રથમ ત્રણ તબક્કામાં 182 બેઠકો માટેના નામો પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ મકરસંક્રાંતિ પછી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શકયતા છે. આ 180 બેઠકો પૈકી હાલના ધારાસભ્યો પૈકી 60ને પડતા મુકવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ પર મંથન શરૂ થઈ રહ્યું છે. પ્રદેશ કાર્યાલય ખાતે કેન્દ્રીય નેતૃત્વ સાથે રાજ્યના કોર જૂથ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં ખાસ કરીને આંતરિક અહેવાલ મુજબ ટિકિટ કાપવા પર મહત્વપૂર્ણ મંથન થયું હતું. જેમાં તે ધારાસભ્યોની ટિકિટ કાપવા પર સહમતિ બની હતી, જેમની સામે સ્થાનિક સ્તરે નારાજગી છે. બેઠકમાં પ્રારંભિક ત્રણ તબક્કાની બેઠકોમાં કેટલાક ધારાસભ્યોની બેઠકો બદલવા પર પણ ચર્ચા થઈ હતી. લગભગ દોઢ ડઝન ધારાસભ્યોની બેઠકો બદલવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રથમ બે તબક્કા માટે 113 બેઠકોની પેનલ પર સમજૂતી થઈ છે. આમાં સમાવિષ્ટ બેઠકો પર બે થી પાંચ નામ નક્કી કરવામાં આવ્યા છે. આગામી રાઉન્ડની બેઠકમાં વધુ કેટલાક નામોને શોર્ટલિસ્ટ કર્યા બાદ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોની યાદીને મંજૂરી આપવામાં આવશે. પાર્ટી આગામી સપ્તાહે પ્રથમ બે તબક્કા માટે નામોની જાહેરાત કરે તેવી શકયતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કોરોના સંક્રમિત હોવાના કારણે ડિજિટલ માધ્યમથી બેઠકમાં સામેલ થયા હતા.