લખનૌઃ ઉત્તરપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ગાઝિયાબાદમાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પરિણીતાએ પ્રેમી સાથે મળીને આડાસંબંધમાં નડતરરૂપ પતિની હત્યા કર્યા બાદ તેની લાશને નિર્માણધીન મકાનમાં દાટી દેવામાં આવી હતી. અજય દેવગનની ફિલ્મ દ્રષ્યમ જેમ જ લાશને નિર્માણધીન ઇમારતમાં દાટી દેવામાં આવી હતી. જો કે, પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. મહિલા અને પ્રેમીએ અન્ય એક સાગરિતની મદદથી ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે મહિલા અને તેના પ્રેમીને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક આરોપીને ઝડપી લેવા કવાયત આરંભી છે. આ સાથે જ બિસરખમાં બાંધકામ સ્થળ પરથી મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝિયાબાદના રહેવાસી છોટે લાલે તેનો ભાઈ સતીશ પાલ છેલ્લા એક સપ્તાહથી ગુમ હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે 10 જાન્યુઆરીએ કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસે સતીશની પત્ની નીતુની પૂછપરછ કરી હતી, કારણ કે તેણે હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી. નીતુનો પતિ 7 દિવસથી ગુમ હતો. ત્યારબાદ પોલીસે હરપાલને શોધી કાઢ્યો હતો, જે ઘણીવાર નીતુ અને સતીશને મળવા આવતો હતો. સતત પૂછપરછ કર્યા પછી, હરપાલ ભાંગી પડ્યો હતો અને નીતુ અને ગૌરવની મદદથી સતીશ પાલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, નીતુ અને હરપાલ છેલ્લા કેટલાક સમયથી પસંદ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા. હરપાલે પ્રેમીકા નીતુની મદદથી તેના પતિ સતીશની હત્યા કરવાનો અને મૃતદેહને પડોશના પ્લોટમાં દાટી દેવાનો પ્લાન બનાવ્યો હતો. નીતુએ પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને પતિ સતીષની હત્યા કરી હતી.
એડિશનલ ડીસીપી વિશાલ પાંડેએ જણાવ્યું કે, આરોપીઓ સતીશના મૃતદેહને એક નિર્માણાધીન મકાનમાં લઈ ગયા હતા. અહીં હરપાલ અને ગૌરવે મૃતદેહને દફનાવ્યો હતો અને તેની ઉપર સેપ્ટિક ટાંકી બનાવી હતી. ત્યાં ખોદવા માટે ઘરના માલિક પાસેથી પરવાનગી લેવામાં આવી હતી. શનિવારે રાત્રે ત્યાંથી લાશના અવશેષો મળી આવ્યા હતા. તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હરપાલ અને નીતુની ધરપકડ કરવામાં આવી હતી.