- કોંગ્રેસના નારાજ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા
- હાઈકમાન્ડને કેપ્ટનને બદલવા કરશે રજૂઆત
- વિધાનસભા ચૂંટણી પહેલા જ જૂથવાદથી કોંગ્રેસની વધી મુશ્કેલી
દિલ્હીઃ પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અમરીન્દરસિંહની સરકારના બળવાના ભણકારા વાગી રહ્યાં છે. તેમજ 20થી વધારે નારાજ ધારાસભ્યોની ગ્રામીણ વિકાસમંત્રીના નિવાસ સ્થાને બેઠક મળી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં મંત્રીમંડળના પાંચથી વધારે મંત્રીઓ રાજીનામા ધરી દે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પંજાબમાં ચાલતો વિખવાહ દિલ્હી સુધી પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે વિખવાદ વધતા સમગ્ર મામલો કોંગ્રેસના હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હતો. અંતે નવજોતસિંહને પ્રદેશ પ્રમુખ બનાવતા મામલો શાંત પડ્યો હતો. જો કે, હવે ફરીથી પંજાબની કોંગ્રેસમાં જૂથબંધી સામે આવી હોવાનું મનાઈ રહ્યું છે. સરકારના ત્રણ મંત્રીઓ તથા 20 ધારાસભ્યોની બેઠક ગ્રામીણ વિકાસમંત્રી તૃપ્ત રાજીન્દર બાજવાના નિવાસે મળી હતી. તેમજ કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડને રજૂઆત કરવા દિલ્હી દોડી આવ્યાં હતા. કોંગ્રેસના નારાજ ધારાસભ્યો કેપ્ટનને બદલવા માટે રજૂઆત કરે તેવી શકયતા છે. ઉત્તરાખંડમાં ઉભી થયેલી સમસ્યાના નિરાકરણમાં લાગેલી કોંગ્રેસની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. અગાઉ કેપ્ટન સામેના ખુલ્લા બળવા બાદ નવજોતસિંહ સિદ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા અને રાજયમાં હવે ફેબ્રુઆરી 2022માંજ ધારાસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે અને તે પહેલા જ કેપ્ટન સામે તેના અનેક સાથીઓએ વિરોધ નોંધાવ્યો હતો. હવે નવજોત સિદ્ધુના આગમન બાદ તે જૂથ વધુ મજબુત બન્યુ છે.