Site icon Revoi.in

અમદાવાદમાં SV કોલેજમાં પરીક્ષા સમયે ગેટ બંધ કરાતા મોડા આવેલા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

Social Share

અમદાવાદઃ શહેરના રિલીફ રોડ પર આવેલી એસવી કોલેજમાં ગુરૂવારે સવારે પરીક્ષાનો આરંભ થવાના ટાણે કોલેજનો લોખંડી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન કેટલાક નિર્ધારિત સમય કરતા મોડા આવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી હતી અને હોબાળા મચાવતા પોલીસ બોલાવવી પડી હતી. જોકે કોલેજ દ્વારા બાદમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોઈ ઘર્ષણ ન થાય તે માટે કોલેજમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના શહેરના રિલીફ રોડ પર આવેલી એસવી કોલેજમાં કોમર્સના સેમેસ્ટર 4 અને 6ની ઈન્ટર્નલ પરીક્ષાનો બુધવારથી પ્રારંભ થયો છે. પરીક્ષાના નક્કી કરેલા સમય મુજબ  8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં બે પેપર લેવામાં આવે છે. ગુરૂવારે સવારે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થયાના 10થી 15 મિનિટ બાદ કોલેજ પહોંચ્યા હતા. જેથી કોલેજ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. કોલેજમાં પ્રવેશ આપવામાં ન આવતા કોલેજ બહાર વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓએ જ પોલીસને જાણ કરી હતી. બે પરીક્ષામાંથી મોડા આવેલા વિદ્યાર્થીઓને એક પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નહોતા. બીજી પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી હતી. આ દરમિયાન કોલેજની અંદર અને કોલેજ બહાર કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે, અમે મોડા આવ્યા તો કોલેજનો દરવાજો બંધ કરી દીધો હતો અને કોલેજમાં આચાર્ય પણ હાજર નહોતા. કોલેજ પ્રશાસને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ બુધવારે કેટલાક વિદ્યાર્થીઓ મોડા આવ્યા હતા. છતાં તેમને પ્રવેશ અપાયો હતો. ગુરૂવારે પણ એ જ  વિદ્યાર્થીઓ મોડા આવ્યા હતા. જેથી પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.