UPSCના ચેરમેન મનોજ સોનીએ કાર્યકાળ શરૂ કર્યાના એક જ વર્ષમાં રાજીનામું આપી દીધું છે.. તેમણે 2023માં ચાર્જ સંભાળ્યો હતો અને તેમનો કાર્યકાળ 2029માં પુરો થવાનો હતો. જો કે તેમના રાજીનામાને સ્વીકારવાની સત્તાવાર માહિતી બહાર આવી નથી.
સૂત્રોનું કહેવું છે કે હાલ ડીઓપીટીએ રાજીનામું સ્વીકાર્યું નથી. સોનીનો કાર્યકાળ 2029 માં સમાપ્ત થવાનો હતો, તેમણે 2017માં UPSCના સભ્ય તરીકે ચાર્જ સંભાળ્યો અને 2023માં અધ્યક્ષ બન્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર સોની હવે ગુજરાતના અનુપમ મિશન માટે વધુ સમય ફાળવવા માંગે છે.
પીએમ મોદીના વિશ્વાસુ મનાય છે મનોજ સોની
મનોજ સોની પીએમ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ મનાય છે. વર્ષ 2005માં, તેમણે જ મનોજ સોનીની વડોદરા, ગુજરાતમાં સ્થિત એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક કરી હતી. તે સમયે તેમની ઉંમર 40 વર્ષની હતી. જેના કારણે તેઓ દેશના કુલપતિ બનનાર સૌથી યુવા વ્યક્તિ પણ બન્યા હતા.. આ પછી સોનીને ગુજરાતની બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા.
અંગત કારણોસર આ નિર્ણય લેવાયો છે
મનોજ સોની વર્ષ 2020 માં દીક્ષા લીધા પછી મિશનની અંદર સાધુ અથવા નિષ્કામ કર્મયોગી બન્યા. અહેવાલો સૂચવે છે કે તેમનું રાજીનામું અને પૂજા ખેડકર કેસને એકબીજા સાથે કોઇ લેવાદેવા નથી. તેમણે પોતાના અંગત કારણોસર આ પદ પરથી રાજીનામું આપ્યું છે.
શું છે પૂજા ખેડકરનો કેસ?
પૂજા પર પરીક્ષામાં બેસવા માટે તેની અસલી ઓળખ છુપાવવા અને નકલી ઓળખ સાથે પરીક્ષામાં હાજર રહેવા જેવા આરોપો છે. UPSCનું કહેવું છે કે પૂજાએ પોતાની ઓળખ છુપાવીને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પરીક્ષા આપી હતી.