Site icon Revoi.in

વડોદરાની M S યુનિવર્સિટીમાં 1500 જેટલા સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ ન મળતા રોષ

Social Share

વડોદરાઃ ગુજરાતમાં આ વર્ષે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પોર્ટલ જીકાસના માધ્યમથી પ્રવેશની ફાળવણી કરાતા ઘણા પ્રશ્નો સર્જાયા છે. જેમાં વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વાણિજ્ય વિદ્યાશાખામાં પ્રવેશથી સ્થાનિક 1500 વિદ્યાર્થીઓ વંચિત રહેતા વિરોધ ઊભો થયો છે. એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 58.50 ટકાથી નીચે ધરવાતા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શક્યો નથી. આ સંદર્ભે યુનિના સત્તાધિશોને રજુઆતો કરવામાં આવી છે.

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કોમર્સમાં બહારગામના વિદ્યાર્થીઓને 43 ટકાએ પ્રવેશ મળ્યો છે. જયારે સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશની ટકાવારી 58.50 ટકા મેરીટ જાહેર કરાતાં સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. જીકાસ થકી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે ફોર્મ ભરનારા 1500 જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેમના 58.50 ટકા કરતા નીચે માર્કસ છે. આ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વડોદરાના અને જનરલ કેટેગરીના છે. જેમને પણ ફી ભરવા માટે એક જ દિવસનો સમય અપાયો હતો. કોમર્સ વિદ્યાશાખામાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે 6100 છાત્રો ફી ભરી ચૂકયા છે. જીકાસ દ્વારા વિદ્યાર્થીઓ નવા પ્રવેશ ફોર્મ ભરી શકે અથવા અગાઉ ભરેલા પ્રવેશ ફોર્મમાં સુધારો કરી પોર્ટલ શરૂ કર્યું હતુ તેમ છતાં કોમર્સ ફેકલ્ટીનો વિકલ્પ ફોર્મ ભરવા માટે ઉપલબ્ધ જ ના હોવાનું જાણવા મળ્યું છે આ મુદ્દે વિદ્યાર્થીઓએ યુનિના સત્તાધિશોને રજૂઆત કરી હતી.

વિદ્યાર્થી નેતાઓના કહેવા મુજબ શહેરની એમ એસ યુનિવર્સિટીમાં ગયા વર્ષ સુધી 70 ટકાથી વધુ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ આ વખતે કોમન એડમિશન પદ્ધતિને લીધે સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી શક્યતા છે. કોમર્સ વિદ્યાશાખોમાં 1500 જેટલા સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. આ અંગે યોગ્ય કરવા યુનિના સત્તાધિશોને રજુઆત કરી છે.