સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની તંગી, કૃષિ વિભાગ કહે છે, ખેડુતો બીન જરૂરી સ્ટોક કરી રહ્યા છે
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રવિપાકની સીઝનમાં જ યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડુતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. એક બાજુ કૃષિમંત્રી રાજ્યમાં યુરિયા ખાતરની કોઈ તંગી નથી અને પુરતો સ્ટોક હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના ગુજકોમાસોલના ડેપો પર ખાતર માટે ખેડુતોની લાઈનો જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે સૌથી વધુ શિયાળુ પાકોનું વાવેતર કરાયુ છે. જેમાં જીરુ, વરિયાળી, લીલો ચારો, શાકભાજી અને ઘઉં જેવા રવિપાકનો સમાવેશ થાય છે. ત્યારે રવિ પાકના ઉત્પાદન માટે ખાતર નાખવુ ખૂબ જરૂરી છે. ખેડૂતોને યુરિયા ખાતર મળી રહે તે માટે જિલ્લાના અલગ અલગ 100થી વધુ ડેપો ઉપર ગુજકોમાસોલ દ્વારા યુરિયા ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવી રહ્યું છે. સિંચાઈના પાણીની પુરતી સગવડતા હોવાના કારણે ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા રેકોર્ડ બ્રેક શિયાળુ પાકોનું વાવેતર કરાયુ છે, ત્યારે ખાતરની અછત સર્જાતા ખેડુકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. દરમિયાન ખાતરના ખાનગી ડેપોને વધુ પ્રાધાન્યતા આપવામાં આવતું હોવાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની અછત છે. ત્યારે વઢવાણ, મુળી, ધાંગધ્રા સહિતના ગામોમાં આવેલા યુરિયા ખાતરના ડેપોમાં ખાતરનો અપૂરતો જથ્થો ખેડુતોને ફાળવવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ગુજકોમાસોલ ડેપોમાં જ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. ત્યારે ગુજકોમાસોલ ડેપોના અધ્યક્ષ દિલીપ સંઘાણીને જિલ્લાના કોંઢ સહિતના ગામોના ખેડૂતોએ લેખિતમાં રજુઆત કરી હતી. હાલ જિલ્લાના ખેડૂતોએ શિયાળું પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે વાવેતરના સમયે જ યુરિયા ખાતરની અછત સર્જતાં ખેડૂતો રોષ ફેલાયો છે. ખાસ કરીને ધ્રાંગધ્રાના ગ્રામીણ વિસ્તારોમાં અને મૂળી પંથકના અને વઢવાણ પંથકના ગામડાઓમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. દરમિયાન સુરેન્દ્રનગર નાયબ ખેતી નિયામકે જણાવ્યુ હતું કે, , હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા રાસાયણિક ખાતરની સપ્લાય રેંક તેમજ રોડ મારફત ચાલુ છે. જે અંતર્ગત ચાલુ ડિસેમ્બર માસમાં રવિ સીઝન માટે અંદાજીત 5480 મે.ટન યુરિયાની સપ્લાય થયેલો છે. આ ઉપરાંત જિલ્લામાં તમામ તાલુકાના જુદા-જુદા વિક્રેતાઓ પાસે અંદાજિત 4695 મે.ટન જેટલો યુરિયા ખાતરનો સ્ટોક પડેલો છે, તેમજ 500 મે.ટન બફર સ્ટોક સ્ટોરેજમાં પણ ઉપલબ્ધ છે. જેથી યુરીયા ખાતરની જિલ્લામાં કોઈ તંગી કે અછત નથી. જિલ્લાના ખેડુતોએ રાસાયણિક ખાતરની તંગી થશે, તેમ સમજીને બિનજરૂરી સંગ્રહ / ખરીદી કરવી નહીં તેમજ જરૂરિયાત મુજબનું જ રાસાયણિક ખાતર ખરીદવું. અને વિશેષમાં રાસાણિક ખાતર સંબંધિત કોઈ પણ રજૂઆત હોય તો નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ખેડુત તાલીમ કેન્દ્ર સુરેન્દ્રનગરનો સંપર્ક કરવો જોઈએ.
સૂત્રોએ ઉમેર્યું હતુ કે, સુરેન્દ્રનગર જિલ્લાના યુરીયા વિતરક ડેપો ઉપરથી હાલની પરિસ્થિતિ મુજબ એક ખેડૂતને 15 યુરિયા ખાતરની થેલીઓ વિતરણ કરવામાં આવી રહી છે. એક ખેડૂતના આધાર કાર્ડ ઉપર માત્ર 15 યુરિયા ખાતરની થેલી વિતરણ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. કારણ કે, એક સમયે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી કે, ખેડૂતોને જેટલું યુરિયા ખાતર જોઈએ તેટલું ડેપો ઉપરથી મળી જશે. પરંતુ હાલના પ્રમાણે 15 યુરિયા ખાતરની થેલી એક ડેપો ઉપરથી એક ખેડૂતને આપવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂતોએ દ્વારા જે શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સરેરાશ 30 જેટલી યુરિયા ખાતરની થેલી જોતી હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. આ મામલે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર આપવામાં આવે તેવી માંગણી ખેડૂતોએ કરી છે.