Site icon Revoi.in

કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા મુખ્યપ્રધાને કરી તાકિદ

Social Share

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય  રૂપાણીએ ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કોરોના વધુ ફેલાય નહીં તે માટે ‘મારું ગામ કોરોના મુકત ગામ’ મુહીમ ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો છે. ૧૦ જેટલા ગામ આગેવાનોની એક સમિતિ બનાવીને ગામમાં કોઇ જગ્યાએ ભીડભાડ ના થાય, સોશીયલ ડીસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરતાં થાય એ બાબત સુનિશ્ચિત કરવાથી ગામમાં કોરોનાના કેસો વધતાં અટકાવી શકાશે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આ અભિયાનને વધુ વ્યાપક ફલક પર વિસ્તારવા તેમજ હેલ્થ સબ સેન્ટર્સ, પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સના આરોગ્ય સ્ટાફની સેવાઓ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે દરેક ગામમાં અવિરત મળતી રહે તે હેતુસર ગાંધીનગરથી વીડીયો કોન્ફરન્સ મારફતે રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ અને સી.ડી.એચ.ઓ  સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં મુખ્યપ્રધાને જિલ્લા વિકાસ અધિકારીઓને જિલ્લા / તાલુકા કક્ષાએ ટીમ બનાવી ગામડાઓમાં ‘મારુ ગામ કોરોના મુકત ગામ’ અભિયાન હેઠળ ઊભા કરાયેલા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇને ત્યાં રહેવા, જમવા, પૂરતાં પ્રમાણમાં દવાઓનો જથ્થો, પીવાના શુધ્ધ પાણી અને સ્વચ્છતા સહિતની તમામ સુવિધાઓની ચોકસાઇ કરવાનું સુચન કર્યું હતું.  આવા કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ વિના વિલંબે અને સમયસર મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીઓ જે-તે જિલ્લાના વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શનમાં વ્યવસ્થા ગોઠવે તેવી તાકીદ પણ કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી દવાઓ અને તબીબી સેવાઓ પહોચાડી કોરોના મુકત ગામનો સંકલ્પ આપણે પાર પાડવો છે. અત્યારે દરેક ગામમાં મર્યાદિત સંખ્યામાં અથવા તો નહીવત કોરોના પોઝીટીવ દર્દીઓ છે. આવી વ્યકિતઓ જો પોતાના ઘરમાં લોકોની સાથે જ રહેશે તો સંક્રમણ ફેલાવાની ભીતી રહેશે. આથી આવી કોરોના સંક્રમિત તમામ વ્યકિતઓને કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સમાં  આઇસોલેટ કરવામાં આવે તો સંક્રમણ વધતું અટકાવી શકાશે. દર્દીના પરિવારજનોની સુરક્ષા અને ગામના લાભ માટે પોઝીટીવ દર્દીઓ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર્સમાં  શીફટ થાય તે પ્રકારની જગૃતિ લાવવા માટે ગામના આગેવાન વડીલોની દરમિયાનગીરીથી પ્રયાસ કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.   ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી શરૂ થયેલા ‘મારૂં ગામ – કોરોના મુકત ગામ’ અભિયાન અન્વયે અત્યાર સુધીમાં રાજ્યના ૩૩ જિલ્લાના ગામોમાં ૧૩૦૬૧ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૧ લાખ ર૦ હજાર બેડની ક્ષમતા સાથે ઊભા કરી દેવાયા છે.