ઘારાસભ્યો, સાંસદો અને પ્રધાનોના ફોન રિસિવ કરીને ફરિયાદોનું નિરાકરણ કરવા અધિકારીઓને તાકિદ
અમદાવાદઃ રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોનું પણ અધિકારીઓ સાંભળતા નથી, એટલું જ નહી પ્રધાનોના ફોન પર રિસિવ કરતા નથી. આવી ફરિયાદો ખૂદ ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોએ મુખ્યપ્રધાનને કરી હતી. આથી મુખ્યપ્રધાને તમામ અધિકારીઓને કડક સુચના આપીને ધારાસભ્યો,સાંસદો અને પ્રધાનોની ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા અને તેમનુ માન-સન્માન જળવાય તે અંગે ધ્યાન રાખવા સ્પષ્ટ સુચના આપી હતી.
રાજ્યમાં કોરોના સંક્રમિત સ્થિતિ દિવસેને દિવસે વધી રહી છે. એક તરફ રાજ્યનું આરોગ્ય તંત્ર તેમજ અન્ય વહીવટી તંત્ર કોરોનાની મહામારી અંકુશ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે. તો બીજી તરફ રાજકીય નેતાઓના ફોન ઉચ્ચ અધિકારીઓ નહી ઉપાડતા હોવાની ફરિયાદ મુખ્યપ્રધાન કક્ષાએ પહોંચી હતી.
રાજ્ય સરકારના કેટલાક પ્રધાનો અને ધારાસભ્યો પોતાના મતક્ષેત્ર વિસ્તારમાં કોરોનાની મહામારીમાં મદદ કે માર્ગદર્શન માટે ઉચ્ચ અધિકારીને ફોન કરે તો જે તે અધિકારી તેમનો ફોન ઉપાડતા જ નથી અને જો ફોન ઉપાડે તો પોતે મીટીંગમાં વ્યસ્ત હોવાનો કારણ આગળ ધરી પ્રધાન કે ધારાસભ્યના પ્રશ્નનું નિરાકરણ નહીં કરતા હોવાની રાવ ઊભી થઈ હતી. જોકે આ મુદ્દે આજની કેબિનેટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને કેટલાક પ્રધાનોએ પણ રજૂઆતો કરી હોવાનું મનાઈ રહ્યું છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મુદ્દે અધિકારીઓને કેટલીક ખાસ સૂચનાઓ આપી હતી. તો બીજી તરફ આ બેઠકમાં કોરોના સંક્રમિત દર્દીઓ અંગે વિશેષ મુદ્દાસર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોમાં પણ કોર્પોરેશનના ખાલી બેડમાં સારવાર માટે 108 દ્વારા જ દર્દીને દાખલ કરવાના મુદ્દે તેમજ સમયસર 108 ની સેવા મળતી થાય તે અંગે પણ વિશેષ સમીક્ષા કરવામાં આવી હોવાના અહેવાલ સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે.