Site icon Revoi.in

અમદાવાદમાં રોડ પર પડેલા ગાબડાં પુરીને રસ્તાઓ મરામતના કામો 10મી ઓગસ્ટ સુધીમાં પુરા કરવા તાકિદ

Social Share

અમદાવાદઃ શહેરમાં પ્રથમ સામાન્ય વરસાદમાં ઘણાબધા સ્થળોએ રોડ-રસ્તાઓ તૂટી ગયા હતા.જેની અનેક લોકો ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં ભાજપના શાસકો એની ચર્ચા જ નથી કરતા માત્ર કામ ક્યાં કોન્ટ્રાક્ટરને આપવું કે નહીં તેની ચર્ચા કરે છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી. જેમાં શહેરમાં પડેલા ભુવા, રોડ રસ્તાના પુરાણ કરવા માટે ઈજનેર ખાતાના અધિકારીઓને સૂચના આપી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વરસાદને લીધે અનેક વિસ્તારોમાં રોડ પર મોટા ગાબડાં પડી ગયા છે. આ ગાબડાં પુરીને તૂટી ગયેલા રોડ-રસ્તાઓની મરામત કરવા આસિસન્ટ કમિશનરોને આદંશ અપાયો છે, તેમજ વોર્ડમાં રાઉન્ડ લઈ કામગીરી 10 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાની તાકિદ કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વરસાદનો કોઈ આગાહી ન હોય ઝડપથી આ કામગીરી પુરી કરી દેવા સૂચના આપી હતી. શહેરમાં આવેલા રોડ રસ્તાના રિસરફેસ અને ભુવાના પુરાણ માટે કોન્ટ્રાક્ટરોને મૂળ ભાવ કરતા ઉંચા ભાવે ટેન્ડર મંજુર કરવામા આવે છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામ સરખું કરવામાં આવતું નથી.

શહેરમાં અનેક જગ્યાએ રોડ તૂટેલા છે. રોડ બનતા હોય ત્યારે કડક સુપરવિઝન થતું નથી અને ત્યાં ‘કોણે, ક્યારે રોડ બનાવ્યો અને તેની ગેરંટી ક્યાં સુધીની છે,  તેના બોર્ડ મુકવા અંગે અગાઉની સ્ટેન્ડિંગ કમિટીએ વારંવાર સૂચના આપવા છતાં કોન્ટ્રાકટરો સાથેની મીલીભગતના કારણે તેનો અમલ થતો નથી. શહેરમાં રોડ રસ્તાને લઇ ચર્ચા કરવા માટે મળતી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં રોડ રસ્તા અને ભુવાના સમારકામ માટે ચર્ચા કરી અને અધિકારીઓને સૂચના આપવાની હોય છે.

જો કે કમિટિમાં તો ચેરમેન સહિતના સભ્યો આ બાબતે કોઈ ચર્ચા કરતા નથી અને માત્ર કામ આપવામાં આવે તેની જ ચર્ચા કરે છે જેથી ભાજપના શાસકોને લોકોને જે તકલીફ પડે છે તેને દૂર કરવામાં રસ નથી પરંતુ મ્યુનિસિપલ કમિશનરે રોડ રસ્તા તૂટવા મામલે ગંભીર નોંધ લઇ અને ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપવી પડી છે.