અમદાવાદઃ ભારતની લોકસભા ચૂંટણીને લઈ રશિયાએ અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો છે. રશિયાના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાનો ઉદ્દેશ્ય ભારતની રાજકીય પરિસ્થિતિમાં ખલેલ પહોંચાડવાનો છે.
આ અંગે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું કે, અમારી માહિતી અનુસાર, વોશિંગ્ટને હજુ સુધી પન્નુ નામની વ્યક્તિની હત્યાના કાવતરામાં ભારતીય નાગરિકોની સંડોવણીના કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાએ અન્ય કેટલાક દેશો પર ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનનો પાયાવિહોણો આરોપ લગાવ્યો છે. આ દર્શાવે છે કે અમેરિકાને ભારતીય ઈતિહાસ વિશે ગેરસમજ છે. અમેરિકા આવા આરોપો લગાવીને ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા સામાન્ય ચૂંટણીઓ વચ્ચે આવા આરોપો સાથે ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાએ સાર્વભૌમ દેશ તરીકે ભારત માટે બહુ ઓછું સન્માન દર્શાવ્યું છે.