Site icon Revoi.in

પાકિસ્તાનમાં ભારતીય મિસાઈલ પડવા બાબતે અમેરિકાનું ભારતને સમર્થન

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતીય મિસાઈલ પડવાના મામલે અમેરિકાએ પણ ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે તાજેતરમાં ભારત તરફથી પાકિસ્તાનમાં પડેલી મિસાઈલના આકસ્મિક પ્રક્ષેપણ સિવાય બીજું કોઈ કારણ નથી. ભારત સરકારે ગયા શુક્રવારે કહ્યું હતું કે બે દિવસ પહેલા એક મિસાઈલ આકસ્મિક રીતે ફાયર થઈ હતી, જે પાકિસ્તાનમાં પડી હતી અને “અફસોસજનક” ઘટના નિયમિત જાળવણી દરમિયાન ટેકનીકલ ખામીને કારણે થઈ હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે, “જેમ તમે અમારા ભારતીય સાથીદારો પાસેથી સાંભળ્યું છે કે આ ઘટના એક ભૂલ સિવાય બીજું કંઈ નથી, અમને પણ તેની પાછળ કોઈ કારણ દેખાતું નથી. પ્રાઈસે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ભારતીય સંરક્ષણ મંત્રાલયને આ સંદર્ભે અન્ય કોઈ પ્રશ્ન તમારે પૂછવું જોઈએ. તેમણે 9 માર્ચે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કર્યું કે તે દિવસે ખરેખર શું થયું હતું. અમે તેના સિવાય કોઈ ટિપ્પણી કરી શકતા નથી.”

ટેક્નિકલ ભૂલોના કારણે ભારતીય મિસાઈલ પાકિસ્તાનમાં પડી હતી, જેના પર પાકિસ્તાને જોરદાર વિરોધ કર્યો હતો. ભારતના સંરક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં આ ઘટનાને અત્યંત ખેદજનક ગણાવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “તકનીકી ખામીને કારણે, 9 માર્ચે નિયમિત જાળવણી દરમિયાન એક મિસાઇલ આકસ્મિક રીતે છુટી હતી.” ભારત સરકારે આકસ્મિક મિસાઈલ લોન્ચની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ઉચ્ચ સ્તરીય ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’ના આદેશ આપ્યા છે. બીજી તરફ, પાકિસ્તાને ઘટના સાથે જોડાયેલા તથ્યોને યોગ્ય રીતે જાણવા માટે સંયુક્ત તપાસની માંગ કરી હતી.