12 ઓગસ્ટ,દિલ્હી:અમેરિકાની તપાસ એજન્સી FBI દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડામાં સ્થિત ઘર પર દરોડા પાડવાના મામલામાં મોટો ખુલાસો થયો છે.કહેવામાં આવી રહ્યું છે કે,FBIએ ન્યુક્લિયર દસ્તાવેજો સહિત અન્ય વસ્તુઓની શોધમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે દરોડા પાડ્યા હતા.વોશિંગ્ટન પોસ્ટે સૂત્રોને ટાંકીને આ મોટો દાવો કર્યો છે.
હકીકતમાં, એફબીઆઈએ તાજેતરમાં જ ફ્લોરિડામાં ટ્રમ્પના માર એ લાગો ઘર પર દરોડા પાડ્યા હતા.આ દરમિયાન FBIએ ત્યાંથી દસ્તાવેજોથી ભરેલા એક ડઝન બોક્સ જપ્ત કર્યા હતા. એટલું જ નહીં, એફબીઆઈના સૂત્રોએ ખુલાસો કર્યો કે,આ દરોડા જાણીજોઈને એવા સમયે કરવામાં આવ્યા હતા જ્યારે ટ્રમ્પ ઘરે ન હતા.અધિકારીઓનું માનવું હતું કે,ટ્રમ્પની હાજરી કાર્યવાહીને અસર કરી શકે છે.એટલું જ નહીં ટ્રમ્પ રાજકીય લાભ માટે રેડનો ઉપયોગ પણ કરી શકે છે.
અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે,એફબીઆઈના દરોડા રાષ્ટ્રપતિના કાર્યાલય સાથે સંબંધિત સત્તાવાર દસ્તાવેજોની શોધમાં છે, જે ટ્રમ્પના વ્હાઇટ હાઉસ છોડ્યા પછી ફ્લોરિડા લાવવામાં આવ્યા હતા.જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ટ્રમ્પ વિરુદ્ધ બે કેસની તપાસ કરી રહ્યું છે.પહેલો કેસ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને ઉલટાવી દેવાના પ્રયાસના સંબંધમાં અને બીજો કેસ દસ્તાવેજોના હેન્ડલિંગના સંબંધમાં.એપ્રિલ-મેમાં પણ તપાસ એજન્સીએ આ કેસમાં ફ્લોરિડામાં ટ્રમ્પના નજીકના મિત્રોની પૂછપરછ કરી હતી.
એફબીઆઈના જણાવ્યા અનુસાર, એજન્સી પ્રેસિડેન્શિયલ રેકોર્ડ્સ એક્ટ અને વર્ગીકૃત સામગ્રી હેન્ડલિંગ કાયદાના સંભવિત ઉલ્લંઘનોની તપાસ કરી રહી છે.નેશનલ આર્કાઇવ્ઝ એન્ડ રેકોર્ડ્સ એડમિનિસ્ટ્રેશન (NARA) એ 2022 માં વ્હાઇટ હાઉસના રેકોર્ડના 15 બોક્સ રિકવર કર્યા હતા. આ બોક્સ માર-એ-લાગોમાં મોકલવામાં આવ્યા હતા.તે સમયે NARAએ કહ્યું હતું કે,નિયમો અનુસાર ડોક્યુમેન્ટ્સથી ભરેલા આ બોક્સને જ્યારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડ્યા ત્યારે નેશનલ આર્ચીઝને મોકલવાના હતા.
બીજી તરફ ટ્રમ્પે દરોડા અંગે નિવેદન જારી કરીને માહિતી આપી હતી.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, એફબીઆઈ અધિકારીઓએ પામ બીચ પર સ્થિત માર એ લાગો પર દરોડા પાડી અને તેને જપ્ત કરી લીધા છે.ટ્રમ્પે કહ્યું હતું કે, આપણા દેશ માટે આ કાળો સમય છે.આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે આવું ક્યારેય બન્યું નથી.તે ન્યાય પ્રણાલીનો એક હથિયાર તરીકે દુરુપયોગ કરવા જેવું છે