નવી દિલ્હી : અમેરિકા પ્રત્યે પોતાની નીતિ અને સ્થિતિને સ્પષ્ટ કરતાં ચીની વિદેશ મંત્રાલયે આશા દર્શાવી છે કે અમરિકા અને ચીન એક જ દિશામાં આગળ વધી રહ્યા છે અને બંને વચ્ચે પ્રવર્તતા મતભેદોને પણ ધીમે ધીમે દૂર કરી દેશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બીડન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજિત જી-20 શિખર સંમેલનની પહેલાજ એક અગત્યની મુલાકાત કરી. છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે બંને દેશો વચ્ચે આખરે દ્વિપક્ષીય વાતચીતનું આયોજન થયું. શી જિનપિંગના જણાવ્યા મુજબ તેઓ બીદાનની સાથે સ્પષ્ટ અને ગંભીર રીતે વાતચીત અને વિચારોનું આદાનપ્રદાન કરવા સહમત છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકા-ચીનના સંબંધો સુગમ બનાવવાનો છે.
અમેરિકાના રાષ્ટપતિ જો બીડન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાલીના નુસા દુઆ અખાત પરના એક લકઝુરીયસ સમુદ્રકિનારાની હોટેલ મૂલીયામાં મળ્યા હતા.
આ મુલાકાત સંદર્ભે ચીનના વિદેશ મંત્રાલયના તેમના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે અમારા પોતાના સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસના હિતોની દૃઢતાને સાચવીને, સંયુક્ત રાજ્ય અમેરિકાની સાથે પરસ્પર સમ્માન, શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ અને એકબીજાનો સહયોગ મેળવવા પ્રતિબદ્ધ છીએ. ચીને કાયમ રાષ્ટ્રપતિ જિનપિંગ દ્વારા પ્રસ્તાવિત પરસ્પર સમ્માન, શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ અને લાભપ્રદ સહકાર-એમ ત્રણ સિદ્ધાંત અનુસાર ચીન-અમેરિકાના સંબંધોને જોયા અને વિકસિત કર્યા છે.
સલાહકારોના મતે, રાષ્ટ્રપતિ જો બીડન પણ ચીની નેતા શી જિનપિંગ સાથે પોતાની પહેલી આમને-સામને બેઠક માટે વિસ્તૃત તૈયારી કરી રહ્યા છે, જેમાં ચર્ચા દરમ્યાન ઊભાં થનારા કેટલાક વિશેષ મુદ્દાઓની ચર્ચા કરવાની પણ પૂરતી તૈયારી રાખવામાં આવી છે. આ પહેલાં બીડને રવિવારે જણાવ્યું હતું કે અમેરિકા ચીનના સંદિગ્ધ માનવાધિકાર રેકોર્ડ પર બોલ્યા જ કરશે, પણ સંઘર્ષને રોકવા માટે દેશ સાથે ચર્ચા કરવા માટેના દરવાજા પણ ખુલ્લાં રહેશે.
(Photo: social media)