Site icon Revoi.in

અમેરિકામાં શીખ અલગતાવાદી નેતાની હત્યાના કાવતરામાં ભારતીય નાગરિકની સંડોવણીનો USનો દાવો

Social Share

નવી દિલ્હીઃ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર અમેરિકાના ન્યૂયોર્કમાં શીખ અલગતાવાદી નેતાની હત્યાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લાગ્યો છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો હતો કે, નિખિલ ગુપ્તાએ શીખ અલગતાવાદી નેતાની હત્યા માટે એક વ્યક્તિને 1 લાખ ડોલરની સોપારી આપી હતી. 30 જૂને નિખિલ ચેક રિપબ્લિક ગયો હતો, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે, નિખિલ ગુપ્તા ભારત સરકારના એક કર્મચારીના કહેવા પર આ કામ કરી રહ્યો હતો, જે ભારતમાં બેસીને નિખિલને નિર્દેશ કરતો હતો. આ કેસમાં નિખિલ ગુપ્તાને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. અમેરિકન કાયદા અનુસાર, સોપારી આપીને કોઈની હત્યાનું કાવતરું ઘડવા માટે મહત્તમ 10 વર્ષની સજા છે.

અમેરિકન દસ્તાવેજોમાં ભારત સરકારના એક કર્મચારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તેના માટે CC-1નો ઉપયોગ કરવામાં આવ્યો છે. નિખિલ ગુપ્તા આ વ્યક્તિની સૂચના પર કામ કરતો હતો. આ વર્ષે મે મહિનામાં નિખિલ સીસી-1ના સંપર્કમાં આવ્યો હતો અને તેને શીખ અલગતાવાદી નેતાને મારવા માટે હત્યારાને શોધવાનું કામ સોંપવામાં આવ્યું હતું. દસ્તાવેજોમાં અલગતાવાદી નેતાનું નામ પણ જાહેર કરવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવ્યું હતું કે, આ વ્યક્તિ ભારતીય મૂળનો અમેરિકન નાગરિક છે, જે ભારત સરકાર વિરુદ્ધ નિવેદનો આપતો રહે છે. અમેરિકામાં પણ એક સંગઠન ચાલે છે, જે ભારતમાં શીખો માટે અલગ દેશ ખાલિસ્તાનનું સમર્થન કરે છે. ભારતમાં અલગતાવાદી નેતા અને તેના સંગઠન પર પ્રતિબંધ છે.

અમેરિકન દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે CC-1ના કહેવા પર નિખિલ ગુપ્તાએ હત્યારાને શોધવા માટે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. આ સ્ત્રોતે હત્યા કરવા માટે નિખિલને કિલર હિટમેનસાથે પરિચય કરાવ્યો અને 1 લાખ ડોલરમાં ડીલ ફાઈનલ થઈ હતી. આ સમયગાળા દરમિયાન સીસી-1 સતત નિખિલ ગુપ્તાના સંપર્કમાં હતો અને તે નિખિલને કાવતરા અંગે સૂચનાઓ આપતો હતો. સીસી-1 શીખ અલગતાવાદી નેતાની હત્યા માટે 1 લાખ ડોલર ચૂકવવા પણ સંમત થયો હતો. 9 જૂનના રોજ, CC-1 અને નિખિલ ગુપ્તાએ કોન્ટ્રાક્ટ કિલરને રોકડ એડવાન્સ પેમેન્ટ તરીકે $15,000 આપવાની વ્યવસ્થા કરી હતી. CC-1ના સહયોગીએ મેનહટનમાં સોપારી કિલરને $15,000 આપવામાં આવ્યા હતા. 

હત્યાને અંજામ આપવા માટે નિખિલ ગુપ્તાએ જે હત્યારોનો સંપર્ક કર્યો તે અમેરિકન સરકારનો અંડરકવર ઓફિસર હોવાનું બહાર આવ્યું છે અને જે સ્ત્રોત દ્વારા તે હત્યારા સુધી પહોંચ્યો છે તે પણ અમેરિકન સરકાર માટે કામ કરે છે. તે બંને ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) માટે કામ કરે છે. કહેવાતો કોન્ટ્રાક્ટ કિલર DEAનો અંડરકવર ઓફિસર છે. જૂન 2023ના રોજ CC-1 એ નિખિલ ગુપ્તાને જણાવ્યું કે કોની હત્યા કરવામાં આવશે. ટાર્ગેટ શીખ અલગતાવાદીનું નામ, સરનામું, ફોટો, ફોન નંબર અને દિનચર્યાની વિગતો નિખિલને મોકલવામાં આવી હતી, જે તેણે હત્યારાને ટ્રાન્સફર કરી હતી. CC-1 એ નિખિલ ગુપ્તાને યોજના સંબંધિત દરેક અપડેટ આપતા રહેવા સૂચના આપી. નિખિલ ગુપ્તાએ હત્યારાને શીખ અલગતાવાદીને વહેલી તકે મારી નાખવાની સૂચના આપી હતી. 

નિખિલે હત્યારાને સૂચના પણ આપી હતી કે, ભારત અને અમેરિકા વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ષડયંત્રને અંજામ આપવામાં ન આવે. આ હત્યાનું કાવતરું જૂનમાં ઘડવામાં આવ્યું હતું અને તે જ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ગયા હતા. જૂનમાં જ અન્ય એક શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી.

(PHOTO-FILE)