Site icon Revoi.in

અમેરિકાનો ઈઝરાયલને સહકાર, કહ્યુ ઈઝરાયલનું અસ્તિત્વ સંજોગોમાં સ્વીકારવું જ પડશે

Social Share

નવી દિલ્લી:  ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે થયેલા ભીષણ ઘર્ષણના કારણે મોટા ભાગના મુસ્લીમ દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં છે તો કેટલાક આર્થિક રીતે શક્તિશાળી દેશો ઈઝરાયલના સમર્થનમાં છે. આવા સમયમાં અમેરિકા તરફથી મોટુ નિવેદન સામે આવ્યુ છે જે ઈઝરાયલને સહકાર કરતુ હોય તે બતાવી રહ્યુ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલનું અસ્તિત્વ કોઈ પણ સંજોગોમાં સ્વીકારવું જ પડશે. અમેરિકાએ ઈઝરાયલ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં કોઈ ફેરફાર નથી આવ્યો તેમ સ્પષ્ટ કર્યું હતું. બાઈડને ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં ‘બે રાષ્ટ્રની નીતિ’ને જ સમાધાનનો શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો.

મધ્ય પૂર્વ દેશોના દબાણ અને મુસ્લિમ દેશો દ્વારા ચલાવાઈ રહેલા પેલેસ્ટાઈનની તરફેણના અભિયાન વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાની ઈઝરાયલ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં કોઈ ફેરફાર નથી આવ્યો તેમ સ્પષ્ટ કર્યું હતું.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ-ઈન સાથે એક સંયુક્ત પ્રેસકોન્ફરન્સ દરમિયાન બાઈડને કહ્યું કે, અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી હજુ પણ ઈઝરાયલના સમર્થનમાં જ છે અને આ પાર્ટી બે રાષ્ટ્રની નીતિને સમર્થન આપે છે. મધ્ય પૂર્વને લઈ અમેરિકાની નીતિમાં નાટકીય ફેરફારના વિશ્લેષણ અંગે બાઈડને કહ્યું કે, મેં પેલેસ્ટાઈન ઓથોરાઈઝેશનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને સ્પષ્ટ કહી દીધું હતું કે અમે વેસ્ટ બેંકમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરીશું.

વેસ્ટ બેંક માટે અમારી આર્થિક પ્રતિબદ્ધતાઓ પણ છે. બાઈડને ગાજા પુનર્નિર્માણ અંગે પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું કે, તેઓ અન્ય દેશો સાથે મળીને કોઈ પેકેજ પર વિચાર કરી શકે છે. બાઈડનના કહેવા પ્રમાણે તેમણે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે થયેલી ચર્ચા દરમિયાન પણ જેરૂસલેમમાં સાંપ્રદાયિક સંઘર્ષ રોકવો ખૂબ જરૂરી છે તેવો સંકેત આપ્યો હતો.

તે વાતમાં પણ કોઈ શંકા નથી કે પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે થતા ઘર્ષણની અસર અન્ય દેશો પર પણ જોવા મળી શકે તેમ છે. પેલેસ્ટાઈનના તરફેણમાં પાકિસ્તાન અને તુર્કી દ્વારા અનેક વાક્યો અને નિવેદનો આપવામાં આવ્યા છે અને તેના કારણે આ લડાઈમાં તુર્કી અને પાકિસ્તાનના વિરોધી દેશો ઈઝરાયલના સમર્થનમાં જઈ શકે તેમ છે.