મુંબઈઃ અમેરિકાની અદાલતે 26/11ના મુંબઈ આતંકી હુમલાના દોષિત પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. પાડોશી દેશ પાકિસ્તાન ઉપર કટાક્ષ કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમેરિકી કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા હતી. રાણા હાલમાં લોસ એન્જલસની ફેડરલ જેલમાં બંધ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં ભીષણ આતંકવાદી હુમલો થયો હતો. જેમાં છ અમેરિકન સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. મુંબઈમાં પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ સ્થળો પર 60 કલાકથી વધુ સમય સુધી આ હુમલાઓ ચાલુ રહ્યો હતો. 15 વર્ષ બાદ ભારતને મહત્વની જીત મળી છે. કેલિફોર્નિયાની કોર્ટે રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે બરાબર એક મહિના પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ જો બિડેનના આમંત્રણ પર તેમની પ્રથમ રાજ્ય મુલાકાત પર અમેરિકા જઈ રહ્યા છે.
યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાના મેજિસ્ટ્રેટ જજ જેક્લીન ચુલજિયાને 16 મેના રોજ આપેલા 48 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, કોર્ટે વિનંતીના સમર્થન અને વિરોધમાં રજૂ કરાયેલા તમામ દસ્તાવેજોની સમીક્ષા કરી હતી અને સુનાવણીમાં રજૂ કરાયેલી દલીલો પર વિચાર કર્યો હતો. ન્યાયાધીશે નોંધ્યું હતું કે, રાણા એ ગુનાઓ માટે પ્રત્યાર્પણપાત્ર છે જેના માટે તેના પ્રત્યાર્પણની વિનંતી કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, દરેક વ્યક્તિ જાણે છે કે મુંબઈમાં 26/11ના આતંકી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે. હવે રાણાના ભારતને પ્રત્યાર્પણ સાથે એ કાયદાકીય રીતે સાબિત થશે કે હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હતો. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર તરીકે જાહેર કરવાની સાથે સાથે યુએનની અનેક સંધિઓ હેઠળ તેની સામે વિવિધ પ્રતિબંધો લાગુ કરવાથી મદદ મળશે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમએ કહ્યું કે આ મામલે ડેવિડ હેડલીનું નિવેદન સૌથી મહત્વપૂર્ણ છે. આ સાથે જ તેમણે મોદી સરકારના વખાણ કર્યા હતા. ફડણવીસે કહ્યું કે મોદી સરકાર અને NSAએ આ બાબતોમાં પહેલ કરી. આજે આપણે તેનું પરિણામ જોઈ શકીએ છીએ.