વોશિંગ્ટન : અમેરિકાના વિદેશ મંત્રાલયે તાઈવાનને 66 એફ-16 યુદ્ધવિમાન વેચવાની મંગળવારે મંજૂરી આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તાઈવાનને લૉકહીડ માર્ટિન નિર્મિત યુદ્ધવિમાનના અત્યાધુનિક સંસ્કરણ એફ-16સી/ડી બ્લોક 70 મળશે. આ સોદો આઠ અબજ અમેરિકન ડોલરનો છે.
વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ એક નિવેદનમાં કહ્યુ છે કે રાષ્ટ્રપ્રમુખે આ પ્રસ્તાવિત વેચાણને લીલીઝંડી આપી હતી. તાઈવાનના રાષ્ટ્રપ્રમુખના પ્રવક્તાએ નિવેદન જાહેર કર્યું છે કે આનાથી તેમની હવાઈ સુરક્ષા ક્ષમતા વધશે અને તેનાથી આત્મરક્ષણમાં મદદ મળશે.
ચીનને અમેરિકાની કંપની સાથેનો તાઈવાનનો સોદો પસંદ પડયો નથી. ચીન તાઈવાનને પોતાનો હિસ્સો માને છે અને તેને પોતાનામાં મેળવવાની તાકમાં છે. પરંતુ આ એક સ્વાયત્ત શાશન ધરાવતો ટાપુ છે અને અમેરિકાનું ઘનિષ્ઠ સહયોગી છે.
તો ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગે સોમવારે કહ્યુ છે કે આ ચીનના આંતરીક મામલામાં ગંભીર હસ્તક્ષેપ છે અને અમેરિકાએ આ સોદો તાત્કાલિક રદ્દ કરવો જોઈએ. આમ નહીં કરવા પર અમેરિકાને આનું પરિણામ ભોગવવું પડશે.