નવી દિલ્હીઃ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી કરનારા રશિયા ઉપર અમેરિકા અને બ્રિટેન સહિત અનેક દેશોએ આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે. આર્થિક ફટકો મારવા માટે અમેરિકાએ રશિયા પાસેથી ઓઈલ, ગેસ અને કોલસાની ખરીદી નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધમાં યુરેનિયમ શામેલ નથી. અમેરિકાએ સુરક્ષા મુદ્દે યુક્રેનને એક બિલિયન ડોલરની મદદની પણ જાહેરાત કરી છે. ગેસ, ઓઈલ અને કોલસો નહીં ખરીદવાના અમેરિકાના નિર્ણય સામે રશિયાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમજ આર્થિક પરમાણુ યુદ્ધ સાથે સરખામણી કરી છે.
અમેરિકાના પ્રમુખ જો બાઈડને કહ્યું હતું કે, અમેરિકા આવા નિર્ણય લઈને સતત રશિયાને આર્થિક નુકસાન પહોંચાડશે. તેમણે કહ્યું કે, રશિયાને મોટો આર્થિક ફટકો આપવાનો નિર્ણય લીધો છે જેને અમેરિકાની જનતાએ પણ સમર્થન આપ્યું છે. જો કે, આ નિર્ણયથી અમેરિકાની પ્રજાને હાલાકીનો સામનો કરવો પડશે. બીજી તરફ અમેરિકાના આ નિર્ણયને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ પણ આવકાર્યો છે.
અમેરિકાના નિર્ણયને લઈને રશિયાએ જણાવ્યું હતું કે, આ આર્થિક પરમાણુ યુદ્ધ છે અને અત્યાર સુધીના ઇતિહાસમાં લગાવાયેલો સૌથી મોટો પ્રતિબંધ છે. રશિયા આનો જવાબ પોતાની રીતે આપશે. બીજી તરફ અમેરિકા બાદ બ્રિટેને પણ જાહેરાત કરી છે કે, રશિયા પાસેથી ઓઈલની આયાત આ વર્ષના અંત સુધીમાં બંધ કરી દેવામાં આવશે. બજારને રશિયાનો વિકલ્પ શોધવા માટે સમય આપવામાં આવ્યો છે. આમ અમેરિકા સહિતના દેશો આકરા આર્થિક પ્રતિબંધો લાવીને રશિયાને વીક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે, આ પ્રતિબંધોની કેટલી અસર થાય છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે.