Site icon Revoi.in

ભારતના નેતૃત્વ હેઠળના આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં અમેરિકા સભ્ય દેશ તરીકે જોડાયું, પીએમ મોદીએ માન્યો આભાર  

Social Share

દિલ્હી:ભારતના નેતૃત્વ હેઠળના આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં અમેરિકા 101 માં સભ્ય દેશ તરીકે સામેલ થયું છે. જલવાયુ માટે અમેરિકી રાષ્ટ્રપતિના વિશેષ દૂત જોન કેરીએ ISA માટે ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા. કેરીએ યુએસ સભ્યપદને સૌર ઊર્જાના ઉપયોગને ઝડપથી વધારવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું હતું. તેઓએ ગ્લાસગોમાં COP26 જળવાયું સંમેલનમાં ઔપચારિક રીતે ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા.

આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો છે.જોન કેરીએ જણાવ્યું હતું કે, “અમને ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં જોડાઈને આનંદ થાય છે, જેની સ્થાપનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતૃત્વ કર્યું હતું. વૈશ્વિક સ્તરે સૌર ઉર્જાના ઝડપી અને વધુ ઉપયોગ માટે આ એક મહત્વપૂર્ણ યોગદાન હશે. આ ખાસ કરીને વિકાસશીલ દેશો માટે મહત્વપૂર્ણ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘શાનદાર સમાચાર. હું રાષ્ટ્રપતિ જો બાઈડેનનો આભાર માનું છું અને ગઠબંધનમાં અમેરિકાનું દિલથી સ્વાગત કરું છું. તેનાથી ગઠબંધન ખૂબ જ મજબૂત બનશે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ISAના 101મા સભ્ય તરીકે યુએસનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે,”આ પગલું ISAને મજબૂત કરશે અને વિશ્વને ઉર્જાનો સ્વચ્છ સ્ત્રોત પૂરો પાડવા માટે ભવિષ્યની કાર્યવાહીને પ્રેરણા આપશે’’.