દિલ્હી: જ્યાં એક તરફ ઈઝરાયેલ ગાઝામાં હમાસના ટાર્ગેટને સતત નિશાન બનાવી રહ્યું છે તો બીજી તરફ અમેરિકાએ પણ હમાસના સહાનુભૂતિ ધરાવતા લોકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને પૂર્વ સીરિયામાં સ્થિત તેની સાથે જોડાયેલા જૂથો પર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકાનું કહેવું છે કે આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકન બેઝ પર ડ્રોન અને મિસાઈલ હુમલાને ધ્યાનમાં રાખીને આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.
પેન્ટાગોન અનુસાર, 17 ઓક્ટોબરે ઇરાક અને સીરિયામાં અમેરિકન બેઝ પર ઓછામાં ઓછા 12 હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં 21 અમેરિકન નાગરિકો ઘાયલ થયા હતા. ઈરાકમાં યુએસ બેઝ અલ-અસદ અને સીરિયામાં અલ-તનફ ગેરિસન પર ઈરાન સાથે જોડાયેલા સંગઠનો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે આજનો હુમલો તેનો જવાબ છે.
કહેવાય છે કે પૂર્વી સીરિયામાં જ્યાં અમેરિકાએ હુમલો કર્યો છે ત્યાંથી આતંકવાદીઓ અમેરિકા વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા હતા. આ ઠેકાણાઓ પરથી અમેરિકન ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકાનું કહેવું છે કે તેણે સ્વબચાવમાં આ જવાબી કાર્યવાહી કરી છે. પેન્ટાગોન અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈરાનના ઉશ્કેરણી પર ઈરાક અને સીરિયામાં હાજર આતંકવાદી સંગઠનો આ સ્થળોએથી અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યા હતા.
અમેરિકન બેઝ પર થયેલા હુમલામાં એક અમેરિકન નાગરિક કે જે કોન્ટ્રાક્ટર હતો, તેનું મૃત્યુ થયું હતું. હુમલા સમયે તે આશ્રય લેવા માટે જઈ રહ્યો હતો. આ હુમલામાં 21 અમેરિકન સૈન્ય કર્મચારીઓ ઘાયલ થયા હતા પરંતુ તમામ ફરજ પર પાછા ફર્યા હતા.