અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોનો તાલિબાન સાથે અનિશ્ચિત શાંતિ કરાર પર હસ્તાક્ષરનો ઈન્કાર
- અમેરિકા-તાલિબાન વચ્ચે નવ તબક્કાની વાટાઘાટો
- અનિશ્ચિત શાંતિ કરાર પર હસ્તાક્ષરનો ઈન્કાર
- માઈક પોમ્પિયોએ હસ્તાક્ષર કરવાનો કર્યો ઈન્કાર
વોશિંગ્ટન: અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ પોતના વિશેષ દૂત દ્વારા તાલિબાનો સાથે કરવામાં આવેલા શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઈન્કાર કર્યો છે, કારણ કે તેમા અલકાયદા વિરુદ્ધ લડાઈ માટે અફઘાનિસ્તાનમાં સેનાની હાજરી અથવા તો પછી કાબુલમાં અમેરિકા સમર્થિત સરકારના સંદર્ભે કંઈપણ સ્પષ્ટ નથી.
ટાઈમ મેગેઝીને બુધવારે એક અહેવાલમાં લખ્યું છે કે પોમ્પિયોએ અફઘાનિસ્તાન પર અમેરિકાના વિશેષ દૂત જલમૈ ખલીલજાદ દ્વારા તાલિબાનો સાથે નવ તબક્કાની વાટાઘાટો બાદ કરવામાં આવેલા કરાર પર હસ્તાક્ષર કરવાનો ઈન્કાર કર્યો છે.
અફઘાનિસ્તાન, યુરોપિયન યુનિયન અને ટ્રમ્પ વહીવટી તંત્રના અજ્ઞાત અધિકારીઓને ટાંકીને લખવામાં આવેલા અહેવાલ પ્રમાણે, કરાર અલકાયદા સામે લડવા માટે અમેરિકાની દળોની અફઘાનિસ્તાનમાં હાજરી, કાબુલમાં અમેરિકા સમર્થિત સરકારના સ્થાયીત્વ અને ત્યાં સુધી કે અફઘાનિસ્તાનમાં લડાઈના અંત સુધીની ગેરેન્ટી આપતો નથી.
ખલીલજાદ સાથે સમજૂતી દરમિયાન હાજર રહેલા એક અફઘાન અધિકારીએ કહ્યુ છે કે કોઈપણ નક્કર રીતે વાત કરી રહ્યું નથી. કોઈપણ નહીં. તેમણે ક્હ્યુ છે કે બધું જ હવે આશા પર આધારીત છે. ક્યાંય કોઈ વિશ્વાસ નથી. વિશ્વાસનો તો કોઈ ઈતિહાસ પણ નથી. તાલિબાનો તરફથી ઈમાનદારી અને ભરોસાનો કોઈ ઈતિહાસ જ નથી.
ટાઈમ મેગેઝીન પ્રમાણે, તાલિબાને પોમ્પિયોને ઈસ્લામિક એમાઈરેટ્સ ઓફ અફઘાનિસ્તાન સાથે હસ્તાક્ષરકરવાનું જણાવ્યું છે. ઈસ્લામિક એમાઈરેટ્સ ઓફ અફઘાનિસ્તાન 1996માં તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં સ્થાપિત સરકારનું સત્તાવાર નામ છે.