નવી દિલ્હીઃ અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડનની મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકામાં ૫ નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા તેમના પુત્રને દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેમના પુત્ર હંટર બાઈડનને ૭ દિવસની ટ્રાયલ બાદ ગન કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. ડેલાવેયરની એક કોર્ટે હંટરને દોષિત ઠેરવ્યો છે. આવું અમેરિકામાં પહેલી ઘટના છે જેમાં વર્તમાન રાષ્ટ્રપતિના પુત્રને દોષિત ઠેરવ્યો છે. હંટર પર ગનના લાઈસન્સ માટે અરજી કરતી વખતે તેને નશો કરવાની આદત વિષેની માહિતી છુપાવવાનો આરોપ છે.
હંટરને દોષિત ઠેરવ્યાના ૧૨૦ દિવસની અંદર સજા જાહેર થઈ શકે છે અને તેને ૨૫ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ૪ દિન પહેલા ફ્રાન્સની મુલાકાત દરમિયાન બાઈડને કહ્યું હતું કે જો તેમનો પુત્ર ગન ટ્રાયલમાં દોશી સાબિત થશે તો તેઓ તેને ક્યારેય માફ નહીં કરે. હંટરને ૩ કેસોમાં દોષિત ઠરાવાયો છે જેમાંથી ૨ કેસમાં ૧૦-૧૦ વર્ષની જેલ અને ત્રીજા કેસમાં ૫ વર્ષની જેલની જોગવાઈ છે.
ફેડરલ ગાઈડલાઇનની ભલામણોને અનુસરીને, સજા વધારવી કે ઘટાડવી તે જજ પર આધાર રાખે છે. અને એમા ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, જે વ્યક્તિનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી અને તેને કોઈ પણ ગુનામાં છેતરપિંડીથી ખરીદેલા હથિયારનો ઉપયોગ કર્યો નથી તેને સામાન્ય રીતે ઓછી સજા મળે છે. તે ૧૫ થી ૨૧ મહિના સુધીની હોય શકે છે. દરેક કેસમાં તેને ૨ કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે.
હંટરને ૪ મહિનાની અંદર સજા થઈ શકે છે, તેનો અર્થ એ થાય છે કે ચૂંટણી પહેલા આ નિર્ણય આવી જશે, અને ચૂંટણીમાં આ મુદ્દો જોરશોરથી ગાજશે.
- હંટર પર કયા આરોપો લાગ્યા છે?
હંટર બાઈડન પર ઓક્ટોમ્બર ૨૦૧૮માં કોલ્ટ કોબ્રા હેંડગન ખરીદતી વખતે સાચી માહિતી છુપાવવાનો આરોપ છે. તે સમયે તે ડ્રગ્સનો વ્યસની હતો અને નિયમિત રીતે ડ્રગ્સનું સેવન કરતો હતો. તેને ગન ખરીદતી વખતે દસ્તાવેજમાં ખોટી માહિતી આપી કે તે ડ્રગ્સનું સેવન કરતો નથી. આ માહિતી ખોટી હોવાના પુરાવા મળ્યા હતા. અમેરિકન કાયદા અનુસાર, જે વ્યક્તિ ડ્રગ્સનું સેવન કરતો હોય છે તે પોતાની પાસે ગન કે કોઈ ઘાતક હથિયાર રાખી શકતો નથી.
બીબીસીના અહેવાલ મુજબ હંટરની ભૂતપૂર્વ પ્રેમિકાએ કોર્ટમાં જુબાની આપી હતી કે એ વાત સાચી છે કે હંટરને ડ્રગ્સની આદત હતી. પરંતુ ગન રાખતા તેનાથી કોઈને નુકસાન કે જાનહાનિ થઈ નથી. હેલીએ કોર્ટમાં એ પણ કબૂલ્યું હતું કે તેણીને પણ ડ્રગ્સની આદત હંટરે જ લગાવી હતી. પરંતુ ઓગસ્ટ ૨૦૧૮માં તેણીએ ડ્રગ્સ લેવાનું બંધ કરી દીધું હતું. આ ઉપરાંત હંટરે તેના મેમોયર “બ્યૂટીફૂલ થિંગ્સ” માં ખુલાસો કર્યો હતો કે ભાઈ બીયુના મૃત્યુ પછી તેને કોકેઈન લેવાની આદત પડી ગઈ હતી પરંતુ તેણે આ આદત છોડવા માટે એક વર્ષ સુધી સારવાર લીધી હતી. આમ, આગળ હવે કોર્ટ શું ફેસલો કરે છે એ તો સમય જ બતાવશે.