Site icon Revoi.in

ભારતથી પરત ફર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ મુશ્કેલીમાં,હાઉસ સ્પીકરે મહાભિયોગની તપાસ શરૂ કરવાની આપી મંજૂરી

Social Share

દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ G20 સમિટમાંથી પરત ફરતાની સાથે જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હાઉસ સ્પીકર મેકકાર્થીએ તેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવાની મંજૂરી આપી છે. સ્પીકરે કહ્યું કે તેઓ ગૃહની એક સમિતિને બાઈડેન પરિવાર સામે તેમના વ્યવસાયિક વ્યવહારો અંગે મહાભિયોગની તપાસ શરૂ કરવા નિર્દેશ આપી રહ્યા છે.

રિપબ્લિકન હાઉસના સ્પીકર કેવિન મેકકાર્થીએ મંગળવારે આ પગલું ભર્યું હતું. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સ્પીકરનું આ ઐતિહાસિક પગલું ડેમોક્રેટિક પાર્ટી માટે મોંઘુ સાબિત થઈ શકે છે.

જો બાઈડેન પર આરોપ છે કે તેઓ 2009 થી 2017 દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના પુત્ર હન્ટર બાઈડેનને વિદેશી કારોબારમાં ફાયદો કરાવ્યો હતો. રિપબ્લિકન્સે આ વર્ષે ઘણા મહિનાઓ સુધી આ અંગે તપાસ હાથ ધરી હતી, પરંતુ બાઈડેન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા ન હતા. મેકકાર્થીએ કહ્યું કે જ્યાં પુરાવા અમને લઈ જશે ત્યાં જઈશું.

સ્પીકર મેકકાર્થીએ કહ્યું, “આ સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપો છે જેના માટે ગૃહ દ્વારા વધુ તપાસની જરૂર છે. તેથી આજે હું અમારી ગૃહ સમિતિને રાષ્ટ્રપતિ બાઈડેન સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા નિર્દેશ આપી રહ્યો છું.”

મેકકાર્થીએ કહ્યું, “રિપબ્લિકન્સે ફોન કોલ્સ, મની ટ્રાન્સફર અને અન્ય પ્રવૃત્તિઓના પુરાવા રજૂ કર્યા છે જે બાઈડેન પરિવારમાં ભ્રષ્ટાચારનું ચિત્ર દોરે છે.”

આ રિપબ્લિકન તપાસ યુક્રેનમાં હન્ટર બાઈડેનના વ્યવસાયિક સોદા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેની તે પહેલેથી જ તપાસ કરી રહ્યો છે. જો કે અમેરિકાના ઈતિહાસમાં કોઈ રાષ્ટ્રપતિને મહાભિયોગ પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવ્યા નથી, આ પ્રક્રિયા ખૂબ જ સામાન્ય બની ગઈ છે.

અગાઉ, બાઈડેને મહાભિયોગની તપાસ અંગે રિપબ્લિકન્સની મજાક ઉડાવી હતી અને વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે તેમની પાસે આમ કરવા માટે કોઈ આધાર નથી. હવે જ્યારે રિપબ્લિકન સ્પીકરે તેને મંજૂરી આપી દીધી છે ત્યારે વ્હાઇટ હાઉસ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.વ્હાઈટ હાઉસના પ્રવક્તા ઈયાન સેમ્સે કહ્યું કે સોશિયલ મીડિયા સૌથી ખરાબ સ્તરનું રાજકારણ છે.