- પ્રથમ ક્વાડ દેશોના સમિટનું થશે આયોજન
- પીએમ મોદી ક્વાડ સમિટમાં આપી શકે છે હાજરી
- સ્કોટ મોરિસન-યોશિહિદે સુગાનું સ્વાગત કરશે બાઇડેન
દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં યોજાનારી પ્રથમ ક્વાડ દેશોના સમિટનું આયોજન કરશે. વ્હાઇટ હાઉસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ બાઇડેન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, જાપાનના પીએમ યોશિહિદે સુગાનું સ્વાગત કરશે.
વ્હાઇટ હાઉસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,ક્વાડ નેતાઓનું હોસ્ટિંગ ઇન્ડો-પેસિફિકમાં જોડાવા માટે બાઇડેન હેરિસ વહીવટીતંત્રની પ્રાથમિકતા દર્શાવે છે. આ સમિટમાં ક્વાડની કામગીરીને નવી ગતિ આપવા માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે, ક્વાડ નેતાઓની વાતચીત અમારા સંબંધોને મજબૂત કરવા પર કેન્દ્રિત રહેશે. તે કોરોનાનો સામનો કરવા, આબોહવાની કટોકટીનો સામનો કરવા, ઉભરતી ટેકનોલોજી અને સાઇબરસ્પેસમાં ભાગીદારી કરવા અને મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિકને પ્રોત્સાહન આપવા જેવા ક્ષેત્રોમાં પરસ્પર વ્યવહારુ સહયોગને આગળ વધારવા ચર્ચા કરશે.
માનવામાં આવે છે કે,પીએમ મોદી અમેરિકાની મુલાકાત લઈ શકે છે.તે અહીં જો બાઇડેનને મળશે અને ક્વાડ સમિટમાં પણ ભાગ લેશે.તો, જાપાનીઝ મીડિયા અનુસાર, પીએમ સુગા પણ આ સમિટમાં ભાગ લેશે.
ક્વાડમાં ચાર દેશો ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે. તેનો હેતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવાનો છે.પ્રથમ વખત આ ચાર નેતાઓ ક્વાડ સમિટ અંતર્ગત મળશે. અગાઉ માર્ચમાં ક્વાડ દેશોની વર્ચ્યુઅલ મીટિંગ હતી. તેમાં જો બાઇડેન, પીએમ મોદી, ઓસ્ટ્રેલિયા અને જાપાનના પીએમ હાજર રહ્યા હતા.