દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશોએ તેને બંધ કરવાની હાકલ કરી છે. આ દરમિયાન રવિવારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કોઈપણ પૂર્વ આયોજન વિના ઈરાકની મુલાકાત લીધી હતી. તેમણે ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાની સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને રોકવાની જરૂરિયાત અંગે ચર્ચા થઈ હતી.
અહેવાલો અનુસાર બગદાદમાં અલ-સુદાની સાથે બ્લિંકનની મુલાકાત એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે પણ બંનેની મુલાકાતને લઈને નિવેદન જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ અને ઇરાક સહિત સંઘર્ષને ફેલાતો અટકાવવાની જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી.
આ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન અલ-સુદાની સાથે તેમની ચર્ચા સારી અને અર્થપૂર્ણ રહી. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકી કર્મીઑ વિરુદ્ધ ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાઑ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
આ દરમિયાન તેમણે ગાઝાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે લડાઈમાં માનવતાવાદી વિરામ માટે વાટાઘાટ કરવાની પ્રક્રિયા છે, પરંતુ યુએસ અને ઇઝરાયેલ આ વિરામની વિશિષ્ટતાઓ અને વ્યવહારિકતાઓ પર કામ કરવા માટે રવિવારે બેઠક કરશે.
યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સોમવારે ઇરાકની મુલાકાતના કલાકો બાદ તુર્કી પહોંચ્યા હતા. અહીં તેઓ એક મોટી રાજદ્વારી બેઠક કરશે. બ્લિંકન અત્યાર સુધી ઇઝરાયલ, જોર્ડન, વેસ્ટ બેંક, સાયપ્રસ અને ઇરાકની મુલાકાત લઇ ચૂક્યા છે.