Site icon Revoi.in

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા તરફથી ગાઝા મોકલાયો માનવીય સહાયતાનો પ્રથમ જથ્થો

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છ મહિનાથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમેરિકા તરફથી ગાઝામાં માનવીય સહાયતાનો પ્રથમ જથ્થો મોકલાયો છે. આ અંગે અમેરિકિ રાષ્ટ્રપતિ જો બાઈડને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી જાણકારી આપી છે. તો બીજ તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ યથાવત્ છે. ઉત્તર ગાઝામાં 3 ઈઝરાયેલી બંધકોના મૃતદેહ મળી આવ્યા છે.

 ગાઝા પટ્ટીમાં તાજેતરમાં બાંધવામાં આવેલા ફ્લોટિંગ યુએસ પિયર દ્વારા રાહત પુરવઠો વહન કરતી ટ્રકો શુક્રવારે પ્રથમ વખત મુશ્કેલીગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી. ગાઝામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે જમીની સરહદ પર નિયંત્રણો લાદી દીધા છે, જેના કારણે લોકોને ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાઈ ગયો છે.

અમેરિકન સૈન્ય અધિકારીઓનો અંદાજ છે કે આ માર્ગ દ્વારા દરરોજ 150 ટ્રક ગાઝા પટ્ટીમાં લઈ જઈ શકાય છે. દરમિયાન, ઇઝરાયલે દક્ષિણના શહેર રફાહમાં હમાસ સામે સાત મહિનાથી ચાલેલા તેના યુદ્ધને વધુ તીવ્ર બનાવ્યું છે.તો બીજી તરફ યુએસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા જોન કિર્બીએ શુક્રવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલ દ્વારા રફાહથી ઇજિપ્ત સુધીની સરહદ બંધ કર્યા બાદ ગાઝામાં ફસાયેલા 20 અમેરિકન ડોક્ટરોમાંથી 17 સલામત રીતે બહાર કાઢી લેવાયા છે. 

ઓક્ટોબર મહિનામાં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં કરેલા હુમલાની દુનિયાના અનેક દેશોએ નિંદા કરી હતી. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં ખુની ખેલ ખેલ્યો હતો જેમાં 1200થી વધારે નાગરિકોના મોત થયાં હતા. તેમજ અનેક લોકોના અપહરણ કરીને ગાઝા પટ્ટીમાં લઈ ગયા હતા. હમાસના હુમલાને પગલે નારાજ ઈઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ગાઝામાં હમાસના ઠેકાણા ઉપર સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે.