Site icon Revoi.in

ઈરાનમાં આતંકવાદી ઠેકાણા ઉપર પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈકને અમેરિકાએ આપ્યું સમર્થન

Social Share

નવી દિલ્હીઃ ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાનો નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. જે બાદ ગુરુવારે ઈરાન પર પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ યથાવત છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે ‘માર્ગ બાર સરમાચાર’ ઓપરેશન અંગે માહિતી આપતા કહ્યું કે, ઈરાનમાં ઉભા થયેલા પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે આતંકવાદી ગતિવિધિઓ કરવાની ગુપ્ત માહિતી મળી હતી, જે બાદ રાષ્ટ્ર રક્ષા માટે હુમલાની કાર્યવાહી કરવામાં આવી છે.

ઈરાન-પાકના તણાવ વચ્ચે અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ તણાવની સ્થિતિ ઉભી થવા બાબતે ઈરાન પર દોષનો ટોપલો ઢોળ્યો છે. જોન કિર્બીએ કહ્યું છે કે, ઈરાન દ્વારા થયેલો પહેલો હુમલો સ્પષ્ટપણે અવિચારી હુમલો હતો, જે આ ક્ષેત્રમાં ઈરાનના અસ્થિર વર્તનનું બીજું ઉદાહરણ હતું. અમેરિકા સ્થિતિ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યું છે અને પાકિસ્તાની અધિકારીઓના સંપર્કમાં છે.

ઈરાને પાકિસ્તાન પર હવાઈ હુમલો કરતા પાકિસ્તાનમાંથી ઈરાની રાજદૂતની હકાલપટ્ટી કરી દીધી છે. પાકિસ્તાને ઈરાનના તેહરાનથી પાકિસ્તાની રાજદૂતને પરત બોલાવી લીધો છે. પાકિસ્તાને ઈરાન સાથે તમામ ઉચ્ચ સ્તરીય યાત્રા સ્થગિત કરી દીધી છે. ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના સીમાવર્તી પંજગૂર વિસ્તારમાં સુન્ની આતંકી જૂથ જૈશ અલ અદલના બે ઠેકાણા પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ આતંકી જૂથે અગાઉ પણ પાકિસ્તાન પાસે આવે સીમાવર્તી વિસ્તારમાં ઈરાનના સુરક્ષાબળ પર હુમલો કર્યો હતો.