અમેરિકા વિશ્વ સ્તરે 5.5 કરોડ વેક્સિનના ડોઝ ફાળવશે, જેમાં 1.6 કરોડ ભારત સહીતના એશિયાઈ દેશોને આપશે
- અમેરિકાએ ખાસ યોજનાની કરી જાહેરાત
- વિશ્વ સ્તરે પ્રદાન કરશે 5.5 કરોડ રસીના ડોઝ
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની સ્થિતિમાં વેક્સિન કોરોના સામે જીવન રક્ષણની એક આશ બનીને ઊભરી આવી છે,ત્યારે વિશ્વની મહાસત્તા ગણાતો દેશ અમેરિકાએ વેક્સિનને લઈને વિશ્વની ઘણી મદદ કરી છે તેવી સ્થિતિમાં હવે વિતેલા દિવસને સોમવારે અમેરિકાએ વૈશ્વિક સ્તરે 5.5 કરોડ વેક્સિનના ડોઝ ફાળવવાની યોજનાની જાહેરાત કરી છે, જેમાંથી 1.6 કરોડ ભારત અને બાંગ્લાદેશ જેવા એશિયન દેશોને આપવામાં આવશે.
બાઈડન વહીવટીતંત્રે પહેલા ફાળવેલ કોરોના વેક્સિનના 2.5 કરોડ ડોઝનો સમાવેશ કરીને અત્યાર સુધીમાં આઠ કરોડ રસીના ડોઝનું વિતરણ કરવાની જાહેરાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિએ વૈશ્વિક સ્તરે કોવિડ મહામારીને સમાપ્ત કરવાને ધ્યાનમાં રાખીને આ વેક્સિનના તમામ ડોઝ જૂન મહિનાના અંત સુધીમાં આપવાનો નિર્ણય લીધો છે.
આ સમગ્ર બાબતને લઈને વ્હાઈટ હાઉસે કહ્યું છે કે,રાષ્ટ્રપતિ બાઈડેને વિશ્વવ્યાપી કોવિડ મહામારીને સમાપ્ત કરવા માટે તેમની લડત ચાલુ રાખતાં તેમણે વિશ્વને રસી ઉપલબ્ધ કરવા મદદનું વચન આપ્યું છે. આ અંતર્ગત, અમે અમારા ઘરેલું પુરવઠામાંથી વેક્સિનનું દાન આપવાની યોજના બનાવી છે અને રાષ્ટ્રપતિએ જૂનના અંત સુધીમાં કરોડો રસીના ડોઝ અનેક દેશોને આપવાનું વચન આપ્યું છે.
તેમણે કહ્યું કે 8 કરોડ ડોઝમાંથી 75 ટકા કોવેક્સ અભિયાન દ્વારા વિતરણ કરવામાં આવશે, જ્યારે 25 ટકા એવા દેશોને વેક્સિન પૂરી પાડવામાં આવશે જે કોરોનાના સંક્રમણથી વધુ પ્રભાવિત છે.