Site icon Revoi.in

નરેન્દ્ર મોદી સરકારને ઝાટકો, ખતમ થશે અમેરિકા તરફથી વેપારમાં મળેલી છૂટ

Social Share

બીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યા પછી પીએમ નરેન્દ્ર મોદીને અમેરિકા તરફથી મોટો ઝાટકો મળ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું કે ભારતને મળનારા જીએસપી દરજ્જાને ખતમ કરવાના નિર્ણયમાંથી અમેરિકા પાછળ નહીં હટે. જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સીસ અથવા જનરલ સિસ્ટમ ઓફ પ્રેફરન્શિયલ (જીએસપી) અમેરિકા તરફથી અન્ય દેશોને બિઝનેસમાં આપવામાં આવતી છૂટની સૌથી જૂની અને મોટી સિસ્ટમ છે. તે હેઠળ દરજ્જો મેળવતા દેશોને હજારો પ્રકારનો સામાન વગર કોઈ કરવેરાએ અમેરિકાને એક્સપોર્ટ કરવાની છૂટ મળે છે. વ્હાઇટ હાઉસની જાહેરાત પ્રમાણે ભારતનો જીએસપી દરજ્જો 5 જૂન, 2019ના રોજ ખતમ થઈ જશે.

ટ્રમ્પે ચાર માર્ચના રોજ આ વાતની જાહેરાત કરી હતી કે તે જીએસપી પ્રોગ્રામથી ભારતને બહાર કરવાના છે. ત્યારબાદ 60 દિવસોનો નોટિસ પિરિયડ 3 મેના રોજ પૂરો થઈ ગયો. તાજેતરમાં જ ટ્રમ્પે કહ્યું કે ભારતે હજુ સુધી એ આશ્વાસન નથી આપ્યું કે તે પોતાના બજારોમાં અમેરિકાને વધુ સારી પહોંચ આપશે. નામ ન જણાવવાની શરતે એક અમેરિકન ઓફિસરે જણાવ્યું, “છેલ્લા એક વર્ષથી ભારતીય ઓફિસર્સ સાથે થઈ રહેલી વાતચીત પછી આખરે માર્ચમાં અમારે એ જાહેરાત કરવી પડી કે ભારતને હવે જીએસપી દરજ્જો મેળવનારા દેશોની લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવે.”

તેમણે કહ્યું, “ભારતનું જીએસપી દરજ્જો મેળવેલા દેશોની લિસ્ટમાંથી બહાર જવાનું નક્કી છે. હવે કામ એ છે કે અમે આગળ કેવી રીતે વધી શકીએ, આગળનો રસ્તો શોધવા માટે અમે નરેન્દ્ર મોદીની બીજી સરકારની સાથે કેવી રીતે કામ કરી શકીએ છીએ.” જોકે તેમણે એમ પણ કહ્યું કે જો ભારત અમેરિકન કંપનીઓને પોતાના બજારોમાં યોગ્ય અને સમાન પહોંચ આપે તો આ પ્રેફરન્શિયલ વેપાર પ્રોગ્રામનો ફાયદો ચાલુ રાખી શકાય છે. વર્ષ 2017માં ભારતને અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ ફાયદો મળ્યો હતો. તે દરમિયાન ભારતે તેના હેઠળ અમેરિકાને 5.7 અબજ ડોલરનો સામાન એક્સપોર્ટ કર્યો હતો.