દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો સાઈબર ક્રાઈમના ગુનાને અંજામ આપતા હેકર્સથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. તેમજ આવા સાઈબર ગુનેગારોને ડામવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમેરિકાની કોર્ટે સાયબર ક્રાઈમમાં ગુનેગારોને મદદ કરનારા વ્હાઈટ કોલર બે ગુનેગારોને આકરી સજા ફરમાવી હતી. હેકર્સ માટે ક્રિપ્ટફોરયુ નામની એક સર્વિસ વિકસાવી હતી. જેની મદદથી હેકર્સોએ ચાર વર્ષના સમયગાળામાં બે લાખથી વધુ કોમ્પ્યુટરસને હેક કરીને ગુનાને અંજામ આપ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રશિયન નાગરિક 41 વર્ષીય ઓલેગ કોશકીન તથા થાઈલેન્ડ મૂળનો 33 વર્ષીય પાવેન સુર્કન (બંને રહે, ઈસ્ટોનિયા) હેકર્સ માટે ક્રિપ્ટફોરયુ નામની એક સર્વિસ વિકસાવી હતી. આ ઓનલાઈન ઈન્ક્રિપ્શન સર્વિસનો ઉપયોગ કરીને હેકર્સ દુનિયાભરની કમ્પ્યુટર સિસ્ટમમાં રેન્સમવેર ઘૂસાડતા હતા. બંનેએ મળીને બે લાખ કમ્પ્યુટર્સ હેકિંગમાં મદદ કરી હતી અથવા તો હેક કર્યા હતા.
આ બંને સામે 2018માં એફબીઆઈએ તપાસ શરૂ કરી હતી, કારણ કે અમેરિકામાં અસંખ્ય કમ્પ્યુટર્સમાં રેન્સમવેર ઘૂસ્યો તેની પાછળ આ બંનેની સંડોવણી ખૂલી હતી. જેથી પોલીસે કોશકિનને 2019માં પકડી લીધો હતો. ત્યાર બાદ પોલીસે તેના સાગરિત પાવેનને પણ પકડી લીધો હતો.
અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટેમાં બંને આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો. જેમાં તપાસ એજન્સીએ આરોપીઓને આકરી સજા ફરમાવવા માંગણી કરી હતી. કોર્ટે મુખ્ય ગુનેગાર કોશકિનને 15 વર્ષની જેલની સજા તથા તેના સાગરિત પાવેનને નવ વર્ષની જેલની સજા ફરમાવી હતી. એફબીઆઈએ સમગ્ર કેશમાં ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. તેમજ તેમના સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત તેજ કરી છે.