- પીએમ મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે કરી વાત
- ફોન પર મહત્વના મુદ્દાઓ પર થઇ ચર્ચા
- ભારત-અમેરિકા વચ્ચે સહયોગ વધવાની સંભાવના
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 3 જૂનના રોજ રાતે 9.30 વાગ્યે ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી કે, તેઓએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે ફોન પર મહત્વના મુદ્દે વાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, વૈશ્વિક રસી વહેંચણી માટેની અમેરિકાની વ્યૂહરચનાના ભાગ રૂપે ભારતને રસી પુરવઠાની ખાતરીની તેઓ પ્રશંસા કરે છે. અમે ભારત-યુએસ રસી સહયોગને વધુ મજબુત બનાવવાના ચાલુ પ્રયાસો પર પણ ચર્ચા કરી હતી.
પીએમ ઓફિસ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે પીએમ મોદીને તેની ‘ગ્લોબલ રસી વહેંચણી વ્યૂહરચના’ ના ભાગ રૂપે ભારત સહિત અન્ય દેશોમાં કોવિડ-19 સામે રસી આપવાની યુએસ યોજના વિશે પીએમ મોદીને માહિતી આપી હતી.
પીએમ મોદીએ યુએસના નિર્ણય માટે ઉપરાષ્ટ્રપતિ હેરિસની પ્રશંસા કરી, તેમજ ભારતને યુએસ સરકાર, વ્યવસાયો અને યુએસમાં ભારતીય ડાયસ્પોરા તરફથી તાજેતરના સમયમાં મળેલા અન્ય તમામ સમર્થન અને એકતા માટે પણ પ્રશંસા કરી.
પીએમઓએ કહ્યું કે બંને નેતાઓએ રસી ઉત્પાદનના ક્ષેત્રે યુ.એસ. અને ભારત સહિતના આરોગ્ય પુરવઠા સાંકળને મજબૂત બનાવવાના ચાલુ પ્રયાસો પર ચર્ચા કરી. તેમણે રોગચાળાના લાંબા ગાળાના સ્વાસ્થ્ય પ્રભાવને ધ્યાનમાં લેવા ભારત-અમેરિકાની ભાગીદારી તેમજ ક્વાડ રસીકરણ પહેલની સંભાવના પર પ્રકાશ પાડ્યો હતો.
અમેરિકા દ્વારા અનેક દેશોને વેક્સિન આપવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં આપવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં જે રીતે ભારત દ્વારા અન્ય દેશોને મદદ કરવામાં આવી તે રીતે અમેરિકા દ્વારા પણ કેટલાક દેશોને મદદ કરવામાં આવી છે.