અફ્ઘાનિસ્તાનમાં છોડી દેવામાં આવેલા અમેરિકાના હથિયાર પાકિસ્તાન પહોંચે છે, ભારત વિરુદ્ધ ઉપયોગ થવાનો ખતરો: રિપોર્ટ
દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પાછું ફર્યું છે ત્યારથી ત્યાંની સ્થિતિ વધારે ગંભીર બની છે. અમેરિકા દ્વારા અનેક પ્રકારના હથિયારોને અફ્ઘાનિસ્તાનમાં છોડવામાં આવ્યા છે અને તેને અમેરિકા પરત લઈ જવામાં આવ્યા નથી. હવે આ બાબતે આંતરરાષ્ટ્રીય પોલીટિક્સના જાણકારો કહી રહ્યા છે કે આ હથિયારોને અત્યારે અફ્ઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જવામાં આવી રહ્યા છે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં પાકિસ્તાનના આતંકવાદીઓ ભારત વિરુદ્ધ કરી શકે છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન પર પાકિસ્તાનને હથિયારો સપ્લાય કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શસ્ત્રોનું બજાર ખીલી રહ્યું છે અને જે શસ્ત્રોની દાણચોરી થઈ રહી છે તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ સીમાપારથી અથડામણમાં થઈ શકે છે. જો કે, તાલિબાન સતત એ વાત પર ભાર મૂકે છે કે તે સારા તાલિબાન છે અને શસ્ત્રો આતંકવાદીઓના હાથમાં ન પહોંચે તે માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે.
વાસ્તવમાં ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાન છોડ્યા બાદ અમેરિકાના ઘણા હથિયારો ત્યાં રહી ગયા હતા. કાબુલ પર કબજો મેળવ્યા બાદ અમેરિકાના શસ્ત્રો તાલિબાનના હાથમાં આવી ગયા. અહેવાલો અનુસાર, અફઘાન હથિયારોના ડીલરો આ હથિયારો તાલિબાન લડવૈયાઓ પાસેથી ખરીદી રહ્યા છે અને તેને પાક-અફઘાન સરહદ પરની દુકાનોમાં ખુલ્લેઆમ વેચી રહ્યા છે.
અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ફળો અને શાકભાજી લઈ જતી ટ્રકમાં આ હથિયારોની દાણચોરી કરવામાં આવે છે. અફ્ઘાનિસ્તાનની હાલત આર્થિક રીતે પણ વધારે કમજોર બની રહી છે અને લોકો હજુ પણ દેશ છોડીને અન્ય દેશમાં વસવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે.