પાકિસ્તાનને હથિયાર બનાવવા માટે મદદ કરતી ચીની કંપની પર USAનો પ્રતિબંધ
નવી દિલ્હીઃ પાકિસ્તાનના મિસાઈલ પરિક્ષણને લઈ મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ પોકિસ્તાનને લાંબા અંતરની અને બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે ટેકનિકલ વસ્તુઓ સપ્લાય કરતી ચીની અને બેલારુસિયન કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ Xi’an Longde Technology Development, ચીનના તિયાનજિન ક્રિએટિવ સોર્સ ઈન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ગ્રાનપેક્ટ કંપની લિમિટેડ અને બેલારુસના મિન્સ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટ પર લગાવવામાં આવ્યો છે. આ કંપનીઓ પાકિસ્તાનને વિનાશકારી હથિયારો બનાવવામાં મદદ કરતી હતી.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે આ કંપનીઓ પાકિસ્તાનને મિસાઈલ બનાવવામાં મદદ કરી રહી છે. મિલરે કહ્યું કે અમેરિકા કોઈપણ ખોટા પગલાને રોકવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે ચીન હંમેશાથી પાકિસ્તાનનું સાથી રહ્યું છે અને ઈસ્લામાબાદના સૈન્ય આધુનિકીકરણ કાર્યક્રમ માટે હથિયારો અને સંરક્ષણ ઉપકરણો પ્રદાન કરતું રહ્યું છે. આમાંની એક કંપની, મિન્સ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટ, પાકિસ્તાનને લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે વિશેષ વાહન ચેસીસ સપ્લાય કરે છે.
સ્ટેટ ડિપાર્ટમેન્ટની ફેક્ટ શીટ અનુસાર, આવી ચેસિસનો ઉપયોગ પાકિસ્તાનના નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ (NDC) દ્વારા બેલેસ્ટિક મિસાઈલો માટે લોન્ચ સપોર્ટ ઈક્વિપમેન્ટ તરીકે કરવામાં આવે છે, જે મિસાઈલ ટેક્નોલોજી કંટ્રોલ રેન્જ (MTCR) બેલિસ્ટિક મિસાઈલોના વિકાસ માટે જવાબદાર છે. Xi’an Longde Technology Development Co., Ltd.એ NDC માટે પાકિસ્તાનના લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ માટે ફિલામેન્ટ વિન્ડિંગ મશીન સહિત મિસાઇલ-સંબંધિત સાધનો પૂરા પાડ્યા હતા. તે ઉપરાંત ગ્રાનપેક્ટ કંપની લિમિટેડે પાકિસ્તાનના NDCને મોટા રોકેટ મોટર્સના પરીક્ષણ માટે સાધનો પણ પૂરા પાડ્યા હતા.