- ચીનની વધતી શક્તિ દુનિયા માટે ખતરો : ટ્રમ્પ
- ચીને આપણી બૌદ્ધિક સંપત્તિ પર કર્યો છે કબજો: અમેરિકા
ચીનની વધતી સૈન્યશક્તિ પર ચિંતા વ્યક્ત કરતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે કમ્યુનિસ્ટ ચીન દુનિયા માટે એક ખતરો છે. તેની સાથે જ ટ્રમ્પે ચીનની સાથે નરમાશથી વ્યવહાર કરનારા અમેરિકાના પુરોગામી રાષ્ટ્રપ્રમુખોને પણ કોસ્યા છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે એક મંચ પર હાજર રહેલા ટ્રમ્પે કહ્યુ છે કે નિશ્ચિતપણે ચીન દુનિયાની શાંતિ માટે ખતરો છે, તે પોતાની શક્તિ એટલી ઝડપથી વધારી રહ્યુ છે, જેટલી ઝડપથી દુનિયાની કોઈ અન્ય શક્તિ આમ કરી રહી નથી અને તેના માટે તે અમેરિકાના નાણાંનો ઉપયોગ કરી રહ્યું છે.
ટ્રમ્પે કહ્યુ છે કે આના પહેલાના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખોએ ચીનને 500 બિલિયન ડોલર અમેરિકા પાસેથી લેવા દીધા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે આ લોકોએ ચીનને આપણી બૌદ્ધિક સંપત્તિ અધિકાર અને સંપત્તિ અધિકાર પર કબજો કરવા દીધો છે.
મહત્વપૂર્ણ છે કે ચીન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમાણે, બંને દેશ એક વ્યાપાર સમજૂતીની બેહદ નજીક હતા. ટ્રમ્પે કહ્યુ છે કે અમે ઘણી સાવધાનીથી કામ કર્યું, બૌદ્ધિક સંપત્તિ અધિકાર પર વાત થઈ, તમામ વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા થઈ અને ત્યારે તેમણે આખરી ક્ષણમાં કહ્યુ કે તેઓ આ મુદ્દા પર સંમત થઈ શકે નહીં. ટ્રમ્પે કહ્યુ છે કે તેઓ બીજિંગની સાથે વ્યાપાર સમજૂતી પર ત્યારે હસ્તાક્ષર કરશે, જ્યારે તેમને એ લાગે કે આ અમેરિકાના હિતમાં છે.
ટ્રમ્પે ભારપૂર્વક કહ્યુ છે કે તેમને લાગતું નથી કે આગામી વર્ષની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી પહેલા તેમને ચીન સાથે કોઈપણ પ્રકારની વ્યાપાર સમજૂતીની જરૂરત છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે તે ચીન સાથે કોઈપણ પ્રકારની આંશિક સમજૂતી કરવા ઈચ્છતા નથી, તે ચાહે છે કે જ્યારે સમજૂતી થાય તો પુરી થાય.
મહત્વપૂર્ણ છે કે અમેરિકાએ ગત વર્ષ માર્ચમાં 250 અબજ ડોલરના ચીની માલસામાન પર 25 ટકા સુધી ટેરિફ વધારી દીધો હતો. તેના પછી બદલાની કાર્યવાહી કરતા ચીને પણ 110 અબજ ડોલરના ચીનના માલસામાન પર ટેરિફ વધારી દીધો હતો.