Site icon Revoi.in

હોળીના તહેવારમાં ઘરે જ બનાવેલા હર્બલ કલરનો કરો ઉપયોગ, ત્વચાને નહીં થાય કોઈ નુકસાન

Social Share

હોળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. યુવાનો અને બાળકો રંગોના તહેવાર હોળીની ઉજવણી કરવા માટે થનગની રહ્યાં છે. જો કે, હોળીના તહેવારમાં કેમિકલવાળા રંગથી બચવા માટે ઘરે જ ફુલોમાંથી હર્બલ કલર તૈયાર કરી શકાય છે. જેનાથી ત્વચાને કોઈ નુકશાન નહીં થાય. કેમિકલવાળા રંગથી ત્વચાને નુકસાન થવાની સાથે આંખોમાં બળતરા પણ પેદા કરે છે.

આપણે બધા જાણીએ છીએ કે લાલ રંગ પ્રેમનું પ્રતીક છે. પરંતુ હોળીનો લાલ રંગ જીવનમાં ઉત્સાહ અને ઉર્જા દર્શાવે છે. હિબિસ્કસના ફૂલોનો ઉપયોગ લાલ રંગ બનાવવા માટે કરી શકાય છે. સારી વાત એ છે કે આ ફૂલો સરળતાથી મળી રહે છે. લાલ રંગ બનાવવા માટે, હિબિસ્કસના ફૂલોને સારી રીતે ધોઈ લો અને તેને તડકામાં સૂકવી દો. સુકાઈ ગયા પછી તેને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો. આ પછી તેમાં લોટ અથવા કોર્ન સ્ટાર્ચ ઉમેરો. રેડ હર્બલ કલર તૈયાર છે. જો તમારે ભીનો લાલ રંગ બનાવવો હોય તો દાડમની છાલને પાણીમાં ઉકાળો અથવા તમે ઇચ્છો તો હિબિસ્કસના ફૂલનો પાવડર પાણીમાં મિક્સ કરી શકો છો.

હોળી પણ કેસરી રંગથી રમાય છે. તેને બનાવવા માટે ટેસુના ફૂલોનો ઉપયોગ કરી શકાય છે. તેમના રંગોને કારણે તેમને જંગલની આગ પણ કહેવામાં આવે છે. કેસરી રંગ બનાવવા માટે ટેસુના ફૂલ લઈને તેને પીસીને પાવડર બનાવી લો. હવે આ પાવડરને બમણા લોટ અથવા મકાઈના સ્ટાર્ચ સાથે મિક્સ કરો. તમે ટેસુ ફૂલોમાંથી રંગીન પાણી પણ બનાવી શકો છો. આ માટે ટેસુના ફૂલોને આખી રાત પાણીમાં પલાળી રાખવાના રહેશે. સવાર સુધીમાં તમામ પાણી કેસરી થઈ જશે. તમે આ પાણીનો ઉપયોગ તમારી પિચકારી માટે કરી શકો છો.

ક્રાયસન્થેમમ, મેરીગોલ્ડ અને અમલટાસના ફૂલોમાંથી ખૂબ જ સારો પીળો રંગ બનાવી શકાય છે. આમાંથી કોઈપણ એક ફૂલ જરૂર મુજબ લો અને તેને એક બાઉલમાં આખી રાત પલાળી રાખો. સવારે પાણી પીળું થઈ જશે અને તમે હોળી દરમિયાન આ રંગીન પાણીથી રમી શકો છો. જો તમારે સૂકો ગુલાલ બનાવવો હોય તો ક્રાયસન્થેમમ અથવા મેરીગોલ્ડની પાંદડીઓને સૂકવીને મિક્સરમાં પીસી લો. તમે તેમાં લોટ અથવા કોર્નફ્લોર ઉમેરી શકો છો અને તમારું હર્બલ પીળો ગુલાલ તૈયાર છે.

તમે અપરાજિતાના ફૂલોમાંથી વાદળી રંગ બનાવી શકો છો. તેનો ઉપયોગ રંગીન પાણી અને સૂકો ગુલાલ બંને બનાવવા માટે કરી શકાય છે. ગુલાલ બનાવવા માટે તેને સૂકવીને ગ્રાઇન્ડરમાં પીસી લો. તમે તેમાં લોટ અથવા કોર્ન સ્ટાર્ચ ઉમેરીને વાદળી રંગ તૈયાર કરી શકો છો. તમારે તેનો પ્રવાહી રંગ બનાવવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર નથી. ફક્ત ફૂલોને પાણીમાં ઉકાળો અને તમારો ભીનો વાદળી રંગ તૈયાર છે.

લીમડાના પાનને પીસીને લીલો રંગ સરળતાથી તૈયાર કરી શકાય છે. લીલો રંગ બનાવવા માટે લીમડાના પાનને સૂકવીને પીસીને બારીક પાવડર બનાવી લો. જો તમે ઇચ્છો, તો તમે તેનો ઉપયોગ ગુલાલ અથવા પ્રવાહી રંગની જેમ પણ કરી શકો છો.