1. Home
  2. ગુજરાતી
  3. આતંકવાદ-કટ્ટરપંથી સામગ્રી ફેલાવવાના નવા માધ્યમ તરીકે ડાર્ક નેટનો ઉપયોગઃ અમિત શાહ
આતંકવાદ-કટ્ટરપંથી સામગ્રી ફેલાવવાના નવા માધ્યમ તરીકે ડાર્ક નેટનો ઉપયોગઃ અમિત શાહ

આતંકવાદ-કટ્ટરપંથી સામગ્રી ફેલાવવાના નવા માધ્યમ તરીકે ડાર્ક નેટનો ઉપયોગઃ અમિત શાહ

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે ‘ગ્લોબલ ટ્રેન્ડ્સ ઇન ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ એન્ડ ટેરરિઝમ’ થીમ પર ત્રીજી ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદના પ્રથમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ સત્રમાં પોતાના પ્રારંભિક સંબોધનમાં જણાવ્યું હતું કે આતંકવાદ બેશકપણે, વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર જોખમ છે પરંતુ, આતંકવાદને આર્થિક સહાય પહોંચાડવી એ આતંકવાદ કરતાં પણ વધુ ખતરનાક છે, કારણ કે આવું ભંડોળ આપીને આતંકવાદના ‘માર્ગો અને પદ્ધતિઓ’ને પોષવામાં આવે છે. આ ઉપરાંત, આતંકવાદને આપવામાં આવતું ભંડોળ દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થાને નબળી પાડે છે. આતંકવાદ અને કટ્ટરપંથી સામગ્રી ફેલાવવાના નવા માધ્યમ તરીકે ડાર્ક નેટનો ઉપયોગ થઇ રહ્યો છે, તેને રોકવા માટે આપણે સંયુક્ત રીતે મજબૂત પરિચાલન પ્રણાલી માટે કામ કરવું પડશે.

અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં વખોડી કાઢે છે અને અમે માનીએ છીએ કે કોઇ પણ કારણ નિર્દોષ લોકોના જીવ લેવા જેવા કૃત્યને યોગ્ય ઠેરવી શકતું નથી. સમગ્ર દુનિયામાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આપણે આ દુષ્ટતા સાથે ક્યારેય બાંધછોડ કરવી જોઇએ નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, ભારત કેટલાક દાયકાઓથી સરહદ પારથી પ્રાયોજિત કરવામાં આવતા આતંકવાદનો શિકાર બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય સુરક્ષા દળો અને નાગરિકોએ નિરંતર અને સંકલિત રીતે અત્યંત ગંભીર આતંકવાદી હિંસાની ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયનો એક સામૂહિક અભિગમ એવો છે કે આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં વખોડવો જોઇએ, પરંતુ, ટેકનોલોજીની ક્રાંતિના કારણે આતંકવાદના સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સતત વિકસિત થઇ રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે આજે, આતંકવાદીઓ અને આતંકવાદી સમૂહો આધુનિક શસ્ત્રો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના દૂષણ અને સાઇબર તેમજ નાણાકીય અવકાશની ગતિશીલતાને સારી રીતે સમજે છે અને તેનો ઉપયોગ કરી જાણે છે. તેમણે જણાવ્યું હતું કે, “ડાયનામાઇટથી મેટાવર્સ” અને “એકે-47થી વર્ચ્યુઅલ એસેટ”માં આતંકવાદનું આ પરિવર્તન ચોક્કસપણે દુનિયાના દેશો માટે ચિંતાનો વિષય છે અને આપણે બધાએ તેની સામે એક સામાન્ય વ્યૂહરચના ઘડવા માટે સાથે મળીને કામ કરવું પડશે. અમે એ પણ જાણીએ છીએ કે આતંકવાદના જોખમને કોઇપણ ધર્મ, રાષ્ટ્રીયતા અથવા જૂથ સાથે જોડાઇ શકે નહીં અને તેને જોડવા જોઇએ પણ નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ એવા પણ દેશો છે કે જેઓ આતંકવાદ સામે લડવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડવા માંગે છે અથવા તો તેમાં અવરોધો ઉભા કરે છે. આપણે જોયું છે કે કેટલાક દેશો આતંકવાદીઓને રક્ષણ પૂરું પાડે છે અને તેમને આશરો આપે છે, કોઇ આતંકવાદીનું રક્ષણ કરવું એ આતંકવાદને પ્રોત્સાહન આપવા સમાન જ છે. તેમણે કહ્યું હતું કે, આ આપણી સામૂહિક જવાબદારી છે કે, આવા તત્વોને તેમના ઇરાદાઓમાં આપણે ક્યારેય સફળ ન થવા દઇએ. ઑગસ્ટ, 2021 પછી, દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે અને શાસનમાં આવેલા પરિવર્તન તેમજ અલ કાયદા અને ISISનો વધતો પ્રભાવ પ્રાદેશિક સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પડકાર તરીકે ઉભરી આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, આ નવા સમીકરણોએ ટેરર ફાઇનાન્સિંગની સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી છે. શાહે જણાવ્યું હતું કે, ત્રણ દાયકા પહેલાં સમગ્ર દુનિયાએ આવા જ એક શાસન પરિવર્તનના ગંભીર પરિણામો ભોગવવા પડ્યા હતા, જેનું પરિણામ આપણે સૌએ 9/11ના ભયાનક હુમલામાં જોયું છે. તેમણે જણાવ્યું હતું કે, આ પૃષ્ઠભૂમિમાં દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં ગયા વર્ષે થયેલા ફેરફારો આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. તેમણે ઉમેર્યું હતું કે, અલ કાયદા સાથે દક્ષિણ એશિયામાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોએ આતંક ફેલાવવાનું એકધારું ચાલુ રાખ્યું છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનો કે તેમને મળતા સંસાધનોની આપમે ક્યારેય અવગણના કરવી જોઇએ નહીં. તેમણે કહ્યું હતું કે, આવા તત્વોના બેવડા વલણને પણ આપણે ઉઘાડું પાડવું પડશે કે જેઓ આતંકીઓના પ્રાયોજક છે અને સમર્થન આપે છે, અને આના માટે, આ પરિષદ, સહભાગી દેશો અને સંસ્થાઓ આ પ્રદેશ સમક્ષ રહેલા પડકારો સામે પસંદગીયુક્ત અથવા આત્મસંતુષ્ટીનો પરિપ્રેક્ષ્ય ન રાખે એ પણ ઘણું મહત્વનું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code