ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં મંત્રી ઋષિકેશ પટેલે સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માંગણીની ચર્ચામાં સહભાગી થતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન રહેલું છે. વહીવટમાં પારદર્શિતા, ઝડપ અને સરળીકરણ લાવવા સામાન્ય વહીવટ વિભાગ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કર્મયોગીઓને તાલીમબધ્ધ કરી લોકાભિમુખ વહીવટ માટે તૈયાર કરવા અને પ્રોએક્ટિવ સરકારની વિભાવનાને સાકાર કરવી એ જ આ વિભાગનો ધ્યેય છે. ગુડ ગવર્નન્સ અને ઇ-ગવર્નન્સના ધ્યેયને સિધ્ધ કરવાની દિશામાં ગુજરાત સરકારે ડગ માંડ્યા છે.
મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, નાગરિકલક્ષી સેવાઓ ઓનલાઇન અને આંગળીના ટેરવે ઉપલબ્ધ બને તે માટે વિવિધ સરકારી સેવાઓને ઓનલાઇન કરવામાં આવી છે. ઇ-ગવર્નન્સના ઉપયોગથી પ્રશાસનમાં ટોચથી લઇને પાયાના સ્તર સુધી પારદર્શિતા લાવવા અને સરળીકરણ કરવા રાજ્ય સરકાર હંમેશાથી કાર્યરત છે. રાજ્યની વહીવટી કાર્યપધ્ધતિમાં ઇ-ગવર્નન્સના ભાગરૂપે વહીવટી વિભાગોથી શરૂ કરીને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી વ્યાપ ધરાવતું ઇ-સરકારનું સુદ્રઢ માળખું ઊભું કરવામાં આવ્યું છે.
ઇ-ગવર્નન્સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ઉપલબ્ધ તકોના મહત્તમ ઉપયોગ દ્વારા રાજ્ય વહીવટને આધુનિક સ્વરૂપ આપવા અને કર્મયોગીઓની ક્ષમતાને સુદ્રઢ કરવા માટે આઇ.ટી. એનેબલ્ડ H.R.નું આયોજન કરાયું છે. માનવ સંશાધન વ્યવસ્થાપન પદ્ધતિ ગુજરાત સરકારના કર્મચારીઓ/અધિકારીઓની સેવાપોથી અને સેવાકીય/વહીવટી બાબતો જેમ કે રજા, રજા પ્રવાસ રાહત, વાર્ષિક મિલકત પત્રક, વાર્ષિક કામગીરી મુલ્યાંકન અહેવાલ વિગેરેને ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી પૂરી પાડવા માટે સરકાર દ્વારા જુલાઈ-૨૦૧૫થી સાથી એપ્લિકેશન કાર્યરત કરાઇ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, પ્રથમ HRMS Projectની ટેક્નિકલ મર્યાદાઓ અને યોજનાનો વ્યાપ વધારવા માટે તા. 25 ડિસેમ્બરથી રાષ્ટ્રીય સુશાસન દિન નિમિતે ગુજરાત રાજ્યમાં ઈ-સુશાસનના ભાગરૂપે ગુજરાત સરકારના કર્મચારીઓ/અધિકારીઓ માટેના કર્મયોગી એપ્લિકેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. વધુમાં, મુખ્યમંત્રી કાર્યાલયમાં અમલી C.M.Dashboardને SATHI Application સાથે સાંકળવામાં આવેલી છે.
તેમણે ઉમેર્યું કે, દેશના અન્ય રાજ્યોના જે શહેરોમાં ગુજરાતીઓની સંખ્યા વધુ હોય ત્યાં બિન-નિવાસી ગુજરાતીઓની યુવા પેઢીને ગુજરાતની સંસ્કૃતિથી માહિતગાર કરવા, બિન-નિવાસી ગુજરાતીઓને પોતાના મૂળ સાથે જોડાયેલા રાખવા તથા સરકારની/પ્રતિષ્ઠાનની પ્રવૃતિઓનો પ્રચાર-પ્રસાર કરવા, ગુજરાતી યુવા ધનનો ડેટાબેઝ તૈયાર કરવા વિગેરે જેવા હેતુઓ સાથે સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આગામી રાજ્સ્થાન , મધ્યપ્રદેશ, છત્તીસગઢ રાજ્ય ખાતે સદાકાળ ગુજરાત યોજાશે.
મંત્રી પટેલે ગુજરાત સરકારને બિરદાવતા કહ્યું કે, સુદાનમાં ઓપરેશન કાવેરી અને ઇઝરાઈલ અને પેલેસ્ટાઈનના યુદ્ધમાં ઓપરેશન અજય થકી ગુજરાત સરકારે ભારત સરકારના સંકલનમાં રહી અનેક ગુજરાતીઓને સુરક્ષિત રીતે વતન પરત લાવવાની નેક કામગીરી કરી હતી, જે ખૂબ જ સરહનાને પાત્ર છે.
તેમણે કહ્યું કે, એસ્પીરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં મળેલા સારા પરિણામોને આધારે આ પ્રોગ્રામને તાલુકા કક્ષા સુધી લઇ જવા માટે એસ્પીરેશનલ તાલુકા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જે પૈકી ગુજરાત રાજ્યના જુદી જુદી ભૌગોલિક પરિસ્થિતી ધરાવતા 10 જિલ્લાઓના કુકરમુંડા, નિઝર, લખપત, રાપર, કવાંટ, નસવાડી, થરાદ, સાયલા, સુબીર, ઘોઘંબા, સાંતલપુર, નાંદોદ અને ગરબાડા એમ કુલ 13 તાલુકાઓ પસંદ કરાયા છે.