વૃદ્ધ મહિલાની હત્યા માટે ઝેરી સાપનો હથિયારની જેમ ઉપયોગ કરવો ગંભીર અપરાધ છેઃ સુપ્રીમ કોર્ટ
દિલ્હીઃ સમગ્ર દેશમાં સાપ કરડવાના બનાવો અનેકવાર સામે આવે છે પરંતુ ઝેરીલા સાપનો એક મહિલાની હત્યામાં ઉપયોગ કરવાનો ચોંકાવનારો કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટે વૃદ્ધ મહિલાની હત્યા માટે ઝેરીલા સામનો હથિયારની જેમ ઉપયોગ કરવાની ઘટનાને ગંભીર અપરાધ ગણાવ્યો હતો. રાજસ્થાનના એકમાં કોર્ટે આરોપીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ચીફ જસ્ટિસ એનવી રમના, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટીસ હિમા કોલીની બેંચ સમક્ષ આ કેસની સુનાવણી યોજાઈ હતી.
કેસની હકીકત અનુસાર મહિલાના લગ્ન લશ્કરના જવાન સાથે થયા હતા. લગ્ન બાદ જવાન સરહદ ઉપર દેશની સુરક્ષા બજાવતો હતો બીજી તરફ તેની પત્ની અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ બનાવ્યાં હતા. જેનો સાસુએ વિરોધ કર્યો હતો. મહિલાના સસરા પણ નોકરીના કારણોસર ઘરથી દૂર રહે છે. સાસુનો કાંટો કાઢી નાખવા માટે હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. જો કે, આ હત્યા એક દુર્ઘટના જેવી લાગે અને લોકોને શંકા ના જાય તેવા પ્રયાસો કર્યાં હતા.
મહિલાએ પોતાના પ્રેમી અને તેના મિત્રો સાથે મળીને ઝુનઝુનુ જિલ્લાના એક મદારી પાસેથી ઝેરીલા સાપની વ્યવસ્થા કરી હતી. સાપને એક બેગમાં રાખીને ઘરે આવી હતી અને તા. 2 જૂન 2018ના રોજ રાતના સમયે મહિલાએ આ બેગ ખોલીને સાસુની નજીક મુકી દીધી હતી. બીજા દિવસે સવારે વૃદ્ધાની લાશ મળી હતી. મહિલાનું મોત સાપ કરડવાથી થયાનું પીએમમાં સામે આવ્યું હતું.
પોલીસે અન્ય સર્પદંશના કેસની જેમ તપાસ કરી હતી. દરમિયાન મૃતક વૃદ્ધાની પુત્રવધુ અને એક વ્યક્તિ વચ્ચે 100થી વધારે વાત થયાનું સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં ફોન ઉપર વાત કરનાર મહિલાનો પ્રેમી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ પ્રકરણમાં મહિલા, તેનો પ્રેમી અને મિત્રોની ધરપકડ કરી હતી. એટલું જ નહીં મદારીને પણ શોધીને તેની પૂછપરછ કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, રાજસ્થાનમાં હત્યા માટે ઝેરીલા સાપનો ઉપયોગ કરવો સામાન્ય બની ગયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપી શકાય નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં દર વર્ષે સાપ કરડવાથી લગભગ 50 લાખ ઘટના બને છે જેમાંથી એક લાખ વ્યક્તિઓના મોત થાય છે. જે પૈકી 50 ટકા મોત માત્ર ભારતમાં જ થાય છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 2000થી 2019ના સમયગાળામાં સાપ કરડવાથી લગભગ 12 લાખ લોકોના મોત થયાં હતા.