ડાંગ જિલ્લાનું “ઉતિષ્ઠ ડાંગ” એકત્રીકરણ યોજાયું
અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ દ્વારા ડાંગ જિલ્લામાં “ઉતિષ્ઠ ડાંગ” કાર્યક્રમનું આયોજન આહવા-ડાંગ ખાતે કરવામાં આવ્યું. 1925નાં વર્ષથી શરૂ કરવામાં આવેલ સંઘ યાત્રા શતાબ્દી વર્ષ નજીક પહોંચી ગઈ છે. ત્યારે સંઘકાર્ય સર્વવ્યાપી અને સર્વ સ્પર્શી થાય તે હેતુથી ઉતિષ્ઠ ડાંગ કાર્યક્રમનું આયોજન આહવા ખાતે ગીતાંજલી વિદ્યા મંદિરની બાજુના મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે પ્રયોશા પ્રતિષ્ઠાન, ડાંગના પ્રમુખ પૂજ્ય પીપી સ્વામીજી (માલેગામ) થતા મુખ્ય વક્તા શૈલેષભાઈ પટેલ પ્રાંત કાર્યવાહ રા.સ્વ. સંઘ ગુજરાત પ્રાંત ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ડાંગ જીલ્લાના 2300 થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં 22 જાન્યુઆરી 2024નાં રોજ ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા સમારોહના ભાગરૂપે ડાંગના દરેક ગામોમા મંદિર કેન્દ્રીત કાર્યક્રમો કરી પોતાના ગામને જ અયોધ્યા બનાવવા ઉપસ્થિત સંતો અને અધિકારીઓ દ્વારા સ્વયંસેવકોને હાકલ કરવામા આવી હતી.આ કાર્યક્રમમાં ડાંગ વિસ્તારના સામાજિક આગેવાનો વ્યવસાયિકો, સંતો, મહંતો, ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.