લખનૌઃ ઉત્તર પ્રદેશના સહરાનપુરની જિલ્લા જેલમાં બંધ 23 કેદીઓમાં HIVની પુષ્ટિ થતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જેલ પ્રશાસને તમામ સંક્રમિત કેદીઓનું જિલ્લા હોસ્પિટલ પરિસર સ્થિત એઆરટી સેન્ટરમાં રજિસ્ટ્રેશન કરાવીને તેમની સારવાર શરૂ કરાવી છે. જેલ અધિકારીએ જણાવ્યું હતું કે, સંબંધિત તમામ લોકોના પરિવારજનોની તપાસ કરાવવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા યોજવામાં આવેલી તપાસ શિબિરમાં આ વિશે ખુલાસો થયો હતો અને તેમણે જેલ પ્રશાસનને આ અંગેનો રિપોર્ટ સોંપ્યો હતો. જેલ પ્રશાસને તે કેદીઓની હિસ્ટ્રી ફંફોસવાનું શરૂ કર્યું છે જેથી એચઆઈવી સંક્રમણના સોર્સ વિશે જાણી શકાય. આ ઉપરાંત કેટલાક દર્દો ટીબીથી પીડાતા હોવાનું પણ સામે આવ્યું છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર જેલમાં બંધ જે કેદીઓ એચઆઈવી સંક્રમિત આવ્યા છે તે સૌ ડ્રગ એડિક્ટ છે. નશો કરવાના આરોપસર તે સૌની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકીના મોટા ભાગના ગંગોહ, બેહટ, દેવબંદ તથા મિર્ઝાપુર જેલના કેદીઓ છે. સૌ કેદીઓ 5થી 7 માસના સમયગાળા પહેલા જેલમાં આવ્યા હતા. આમ કેદીઓના શિફ્ટિંગના કારણે અન્ય જેલોમાં એઈડ્સ ફેલાઈ રહ્યો હોવાનું તારણ સામે આવ્યું છે. સહરાનપુર જિલ્લા જેલમાં 2,200થી પણ વધારે કેદીઓ સજા ભોગવી રહ્યાં છે. ગત 15થી 21 જૂન દરમિયાન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અમુક દર્દીઓમાં ટીબીના લક્ષણો જોવા મળ્યા હતા. તેમનો એઈડ્સનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. જેલમાં બંધ 5 કેદીઓની એઈડ્સની સારવાર પહેલેથી જ ચાલી રહી હતી.
(PHOTO-FILE)