ઉત્તરપ્રદેશઃ માતાએ ઠપકો આપતા નારાજ 3 દીકરીઓએ કર્યો સામુહિક આપઘાત
લખનૌઃ જોનપુરમાં વારાણસી-સુલ્તાનપુર રેલવે મંડળના ફત્તુપુર રેલવે ક્રોસિંગ પાસે 3 સગી બહેનોએ ટ્રેનની નીચે પડતું મુકીને સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. આર્થિક મુશ્કેલીનો સામનો કરતી માતાએ દીકરીઓને ઠપકો આપતા તેમણે અંતિમ પગલું ભર્યાનું મનાઈ રહ્યું છે. પોલીસે ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મહારાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહિરોલી ગામમાં સ્વ રાજેન્દ્ર ગૌત્તમની પાંચ દીકરીઓ જ્યોતિ, પ્રીતિ (ઉ.વ.16), આરતી (ઉ.વ. 14), કાજલ (ઉ.વ. 11) અને દીકરો ગણેશ (ઉ.વ. 18) છે. દરમિયાન રાજેન્દ્ર ગૌત્તમનું 9 વર્ષ પહેલા અવસાન થયું હતું. રાજેન્દ્ર ગૌત્તમના અવસાન બાદ વિધવા પેન્શન રૂ. 500 પત્ની આશા દેવીને મળતા હતા. પરિવારનું ગુજરાન ચલાવવા માટે દીકરો ગણેશ મજૂરી કરતો હતો. એટલું જ નહીં દીકરીઓ પણ ઘરમાં આર્થિક મદદ માટે આસપાસના નાના-મોટા કામ કરતી હતી. એટલું જ નહીં દીકરી રેનુના ગયા વર્ષે જ લગ્ન થયાં હતા.
દીકરા ગણેશે કહ્યું કે, પ્રીતિ, આરતી અને કાજલ સાંજના લાકડા વિણવા ગઈ હતી. ત્રણેય સાંજના પાંચ વાગે ઘરે આવ્યાં હતા. દરમિયાન માતાએ કોઈ મુદ્દે તેમને ઠપકો આપ્યો હતો. જે બાદ ઘરેથી નીકળી ગઈ હતી. ત્રણેય ગામથી દૂર વારાણસી-સુલ્તાનપુર રેલવે મંડળના વારાણસીથી લખનૌ જતી ટ્રેન જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન સામે કુદી પડી હતી. જેથી ત્રણેયના મોત થયાં હતા. પોલીસે ત્રણેય દીકરીઓના આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.