ઉત્તરપ્રદેશઃ ટ્રક ઝૂંપડીમાં ઘુસી જતા 6ના મોત, વળતરની માંગણી સાથે ગ્રામજનોએ કર્યો ચક્કાજામ
દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં જ ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં પૂરઝડપે પસાર થતી ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને નજીકમાં આવેલી ઝંપડીમાં ઘુસી ગઈ હતી. આ દૂર્ઘટનામાં છ વ્યક્તિઓના મોત થયાં હતા. આ બનાવને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તેમજ પીડિત પરિવારને વળતર આપવાની માંગણી સાથે હાઈવે પર મૃતદહો મુકીને ટ્રાફિક જામ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં ગાઝીપુરના મહેમદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહિરોલી ગામમાં પૂરઝડપે પસાર થતી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ઝુંપડી ઘુસી ગઈ હતી. આ દૂર્ઘટનામાં છ વ્યક્તિઓના મોત થયાં હતા. બનાવને પગલે પીડિતોએ મૃતદેહ રસ્તા ઉપર મુકીને ટ્રાફિક જામ કરી દીધો હતો.
મહેમદાવાદ પોલીસના જમાવ્યા અનુસાર પૂરઝડપે પસાર થતી ટ્રક સવારના સમયે અહિરોલી ચટ્ટી પાસેથી પસાર થતી હતી. દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં બનેલા ઝુંપડામાં ઘુસી ગઈ હતી અને ઝુંપડામાં રહેતા લોકોને અડફેટે લીધા હતા.
આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં હતા. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયાં હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ટ્રક કયાં કારણોસર બેકાબુ બની હતી તે જાણી શકાયું નથી.
દૂર્ઘટના બાદ સ્થાનિકોએ મૃતદેહને રસ્તાની વચ્ચે મુકીને ટ્રાફિક જામ કર્યો હતો. ગ્રામીણોએ મૃતકોના પરિવારજનોને વળતર આપવાની માંગણી કરી હતી. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ગ્રામજનોને સમજાવીને હાઈવે પર વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ કરવાની કવાયત શરૂ કરી હતી. સ્થાનિકોએ એનએચ-31 ગાઝીપુર-ભરૌલી માર્ગના ટ્રાફિકને જામ કર્યો હતો.