લખનૌઃ યુપીના કાસગંજના પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેમ્પો અને જીપકાર વચ્ચે થયેલી અથડામણમાં સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માત બદાઉન મૈનપુરી હાઈવે પર થયો હતો. દરિયાવગંજ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં આઠથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એસપી રોહન પ્રમોદ બોત્રેના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જ્યાં તમામની સારવાર કરવામાં આવી રહી છે.
એસપીના જણાવ્યા અનુસાર, બંને વાહનોમાં સવાર મુસાફરો ફર્રુખાબાદના રહેવાસી છે, તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ટેમ્પોમાં 10 મુસાફરો હતા, જ્યારે જીપકારમાં સાત મુસાફરો હતા. બે વાહનો વચ્ચે થયેલી અથડામણમાં જીપમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે ટેમ્પોમાં સવાર છ લોકોના મોત થયા છે. મુસાફરો ભોલે બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન સામસામે વાહન અથડાતા 7 લોકોના મોત થયા છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ કાસગંજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જીપકાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતને પગલે તેમાં સવાર પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.
કાસગંજના ડીએમ હર્ષિતા માથુરના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગની ટીમોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ સિવાય ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે આ મામલામાં કાસગંજના એસપી રોહન પ્રમોદે સાત લોકોના મોતની પુષ્ટિ કરી છે.