ઉત્તરપ્રદેશઃ ઠગ ટોળકીએ 100થી વધારે પોલીસ અધિકારીઓને નિશાન બનાવીને છેતરપીંડી આચરી
લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં ઠગોએ પોલીસ અધિકારીઓને શિકાર બનાવ્યાં છે. ઠગો પોલીસ અધિકારીના સ્વાંગમાં પોલીસ ઓફિસરોને ફોન કરતા હતા. પોલીસ અધિકારીઓને ફસાવ્યા બાદ તેમની પાસેથી નાણાની માંગણી કરી હતી. આ ટોળકીએ અત્યાર સુધીમાં 100થી વધારે પોલીસ અધિકારીઓ સાથે છેતરપીંડી કરી હતી. પોલીસે ગેંગના 3 આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દેહલી ગેટ પોલીસને બાતમી મળી હતી કે, છેતરપીંડી કરનારા 3 આરોપીઓ હાલ શહેરમાં ઉપસ્થિત છે. જેથી પોલીસે તપાસ આરંભીને 3 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 3 મોબાઈલ ફોન, 5 સિમકાર્ડ, 5 આધારકાર્ડ તથા સાત હજારની રોકડ તથા અન્ય કેટલાક દસ્તાવેજ મળી આવ્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુને તપાસ આરંભી છે.
આરોપીઓ પોલીસ અધિકારી અને બાતમીદારના સ્વાંગમાં પોલીસ અધિકારીઓને ફોન કરતા હતા. તે બાદ અધિકારીઓને વાકચાતુર્યમાં ફસાવીને પૈસાની માંગણી કરતા હતા. આરોપીઓએ રાજ્યના વિવિધ જિલ્લાના 100 જેટલા પોલીસ અધિકારીઓ સાથે છેતરપીંડીનો રેકોર્ડ બનાવ્યો છે. એસપી કુલદીપ સિંહ ગુનાવતએ જણાવ્યું હતું કે, પોલીસન4 ટીમે છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં નિતિન ઉર્ફે નિખિલ શર્મા, આશુ અને મોનુને ઝડપી લેવામાં આવ્યાં છે.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ટોળકી બોગસ દસ્તાવેજ અને સીમ કાર્ડના આધારે પોલીસ અધિકારીના સ્વાંગમાં જે તે પોલીસ સ્ટેશનના અધિકારીને ફોન કરતા હતા, તેમજ તેમની પાસેથી નાણાની માંગણી કરતા હતા. ટોળકીના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે પોલીસે તપાસ આરંભી છે.