ઉત્તરપ્રદેશઃ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
દિલ્હીઃ કુખ્યાત ડાકુ ગૌરી યાદવને આજે પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. દદુઆ જેવા કુખ્યાત ડાકુઓ અંગે પોલીસને બાતમી ગૌરી યાદવ જ આપતો હોવાનું મનાય છે. ચિત્રકુટના જંગલ વિસ્તારમાં સ્પેશિયલ ટાસ્ટ ફોર્સના જવાનોએ એન્કાઉન્ટરમાં ગૌરી યાદવને ઠાર માર્યો હતો. તેની ઉપર ઉત્તરપ્રદેશ પોલીસે પાંચ લાખ અને મધ્યપ્રદેશ પોલીસે રૂ. 50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. તેની સામે આ બંને રાજ્યોમાં લગભગ 50 જેટલા ગુના નોંધાયેલા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ કુખ્યાત ગુનેગારોની બાતમી આપતા-આપતા ગુનાની દુનિયામાં ગૌરી યાદવે પોતાની આગવી જગ્યા બનાવી હતી. બંને રાજ્યોની પોલીસ છેલ્લા બે દાયકાઓથી તેને શોધતી હતી. બીજી તરફ તેનો ખૌફ બંને રાજ્યોની જનતામાં સતત વધી રહ્યો હતો. આજે વહેલી સવારે એસટીએફના એડીજી અમિતાભ યશની આગેવાનીમાં ચોક્કસ બાતમીના આધારે બહિલપુરવાના જંગલોમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે તેને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.
ઉચ્ચ અધિકારી અમિતાભ યશએ જણાવ્યું હતું કે, આરોપી જંગલના આંદરના ભાગમાં તાપણુ કરીને ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ તાપણાના ધુમાડાના કારણે પોલીસે જંગલના અંદરના ભાગમાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન ગૌરી યાદવ અને તેના સાગરિતોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેથી પોલીસની જવાબી કાર્યવાહીમાં ગૌરી યાદવનું મોત થયું હતું. જ્યારે તેના સાગરિતો ફરાર થઈ ગયા હતા. આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતના ગંભીર ગુના નોંધાયેલા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ પોલીસે રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે કુખ્યાત ગુનેગારોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે.