ઉત્તરપ્રદેશઃ વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષિકાએ કર્યો પોતાનો લૂલો બચાવ
લખનૌઃ ઉત્તરપ્રદેશની એક સ્કૂલમાં લઘુમતી કોમના વિદ્યાર્થીને ક્લાસરૂમની અંદર ટીચરે અન્ય વિદ્યાર્થીઓ મારફતે માર મરાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેથી પોલીસે શિક્ષિકા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, એટલું જ નહીં શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ઘર્મના નામે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને ઓવૈસી સહિતના નેતાઓએ ગંભીર આક્ષેપ કર્યાં છે. જો કે, પીડિતના પિતા અને વીડિયો બનાવનાર વ્યક્તિએ પણ સમગ્ર પ્રકરણમાં ધર્મને લઈને કોઈ મુદ્દો નહીં હોવાનો દાવો કર્યો છે. હવે શિક્ષિકાનું નિવેદન સામે આવ્યું છે.
શિક્ષિકાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવામાં આવ્યો ન હતો. સ્કૂલનું હોમવર્ક નિયમિત કરતો ન હતો. એટલું જ નહીં બનાવના દિવસે વિદ્યાર્થીના પિતા તેને મારતા-મારતા સ્કૂલે લઈને આવ્યાં હતા. તેમજ તેના પિતાએ મને શિક્ષા કરવા માટે કહ્યું હતું. જો વિદ્યાર્થીને માર મરાયો ત્યારે વીડિયો તેના પરિચીતે જ બનાવ્યો હતો અને બહેરમીથી માર મરાયો હોત તો તેમણે વિરોધ કર્યો હોત. તેમજ ધર્મને લઈને કોઈ વાત કરવામાં આવી ન હતી. હું વિકલાંગ છું તેને મારી શકું તેમ નથી.
દરમિયાન સમગ્ર ઘટનાનો વીડિયો બનાવનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, શિક્ષીકાએ કોઈ ધર્મને લઈને ટીપ્પણી કરી ન હતી, આ વીડિયોનું ખોટુ અર્થઘટન કરીને કાવતરુ રચીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. ખુબ્બાસપુર ગામની સ્કૂલની ઘટનાનો વીડિયો બનાવનાર વિદ્યાર્થીએ આ મુદ્દે ખોટો વિવાદ ઉભો નહીં કરવા અપીલ કરી છે.